પદ્માવતની રિલીઝ રોકવા SC પહોંચી રાજસ્થાન-MPની સરકાર
રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ ફિલ્મ 'પદ્માવત'ની રીલિઝ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં સોમવારે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજી પર મંગળવારે સુનવણી કરશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશે અરજી દાખલ કરી વિનંતી કરી છે કે, વિવાદિત ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ સંબંધિત 18 જાન્યુઆરીના નિર્ણયને પરત ખેંચવામાં આવે. ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે ફિલ્મના પ્રદર્શન સાથે જોડાયેલા કોર્ટના આદેશમાં સંશોધનની માંગણી કરતી બંને રાજ્યોની અંતિમ અરજી પર સુનવણી માટે 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
બંને રાજ્યોનો દાવો છે કે, સિનેમેટોગ્રાફી કાયદાની કલમ 6 તેમને કાયદા વ્યવસ્થાના સંભવિત ઉલ્લંઘનના આધારે કોઇ પણ વિવાદિત ફિલ્મના પ્રદર્શનને રોકવાનો અધિકાર આપે છે. ફિલ્મના નિર્માતા વાયકૉમ18 તરફથી હાજર વરિષ્ઠ એડવોકેટ હરિશ સાલ્વેએ અંતિમ અરજી પર તરંત સુનવણીનો વિરોધ કર્યો છે, પરંતુ કોર્ટે આ વિરોધને બાજુએ રાખતાં સુનવણી માટે તારીખ આપી છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે 18 જાન્યુઆરીના પોતાના ચૂકાદામાં 25 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આ ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો અને તેની પર મુકવામાં આવેલ પ્રતિબંધ ખસેડી લીધો હતો.