
DANI DATA Apps: બનાસકાંઠામાં ઓનલાઇન છેતરપિંડી કરી કરોડોનો ચૂનો લગાડ્યો
ઓનલાઇન ફ્રોડના સમાચાર સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે, વધુ એક ઓનલાઇન એપ્સ દ્વારા ફ્રોડ આચર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. દાનીદાતા નામની મોબાઇલ એપ્સમાં રોકાણ કરવાથી કરોડપતિ થવાની ઝંખના સેવતાં લાખો લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઓનલાઇન દાનીદાતા એપ્સમાં રોકાણ કરી ગેમ રમવાની લાલચમાં અને અન્ય લોકોને જોડી વધુ રેફરન્સ બોનસ મેળવવાની લાલચે અનેક લોકોને પોતાના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતું, આ એપ્સ પૈસા પરત આપ્યા વગર બંધ થઇ જતાં કેટલાય લોકોનાં નાણાં સલવાઇ ગયા છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ભાભર, દિયોદર તથા ધાનેરા સહિતના વિસ્તારમાં આ દાનીદાતા એપ્સ ખુબ મોટા પ્રમાણમાં ફેલાઇ હતી. સ્માર્ટ ફોન ધારકો મોબાઇલમાં આ એપ્સ ડાઉનલોડ કરીને તેમાં પૈસા નાખી ગેમ રમતાં હતા. આ મોબાઇલ એપ્સના માધ્યમથી લોકો ઓનલાઇન ફૂટબોલની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચ પર સટ્ટો રમતાં હતા.જેમાં રોજના 10 હજાર લગાવવા પર 225 રૂપિયાથી વધુ વળતર મળતું હતું. આ એપ્સમાં એકવાર પૈસા જમા કરાવવાથી એક વર્ષમાં 10 લાખ સુધી થતાં હોવાની લાલચમાં લાખો લોકોએ પોતાના પૈસા નાખ્યા હતા. આ નાણાં 11 થી 8 તારીખ સુધી વિડ્રો કરવા પર 10 ટકા કપાત થતાં હતાં અને 9 અને 10 તારીખે વિડ્રો કરવામાં આવે તો નાણાં પુરેપુરા કપાત થયા વગર કાઢી શકાતાં હતા. જેના કારણે, લોકો 9 તારીખની રાહ જોઇ રહ્યા હતા ત્યાં આ એપ્સ રાતોરાત બંધ થઇ જવાના કારણે લોકોને આર્થિક છેતરપિંડી થઇ છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક શિક્ષકો, ડોક્ટર્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોએ પોતાનાં નાણાં જમા કરાવ્યાં હતા. આ આંકડો 250 કરોડ આસપાસ હોવાનું માનવામાં આવે છે. લોકોને છેતરાયાનો અહેસાસ થતાં તેઓ સોશિયલ મિડિયા પર બળાપો કાઢી રહ્યા છે. પરંતું, આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ત્યારે, સાયબર સેલ આ અંગે યોગ્ય કાર્યવાહી કરી કૌભાંડીઓને લોકોના નાણાં પરત આપવા કદમ ભરે તે આવશ્યક છે.