દિલ્હી બ્લાસ્ટને પગલે ગુજરાતના દરિયામાં સુરક્ષા વધારાઈ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને ઠેર ઠેર દરોડા પાડી રહી છે. ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાયું છે, જે અંતર્ગત રાજ્ય પોલીસ વડાએ ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી છે.

પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્થાનિક સ્તરે આતંકવાદી મોડ્યુલ અંગે એલર્ટ રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત, ગુજરાત ATSએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલ વિશે વિગતવાર માહિતી પણ આપી હતી. NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) અને હથિયારો સંબંધિત ગુનેગારો પર ખાસ નજર રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.
અગાઉ પકડાયેલા આરોપીઓની ફરીથી ચકાસણી કરવાના આદેશ પણ અપાયા છે. દિલ્હીના આત્મઘાતી બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મોત થયાં હતાં. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આતંકી અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખતી SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) માં ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા પછી રાજ્યભરમાં એલર્ટ જાહેર થયું છે. આને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે.












Click it and Unblock the Notifications
