શંકર ચૌધરીની ડિગ્રી મામલે, ગેનીબેને ચૂંટણી પંચમાં રજૂઆત કરી
ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના ડિગ્રી વિવાદમાં મધપુડો ફરી છંછેડાયો. કોંગ્રેસના ગેની બેને કરી ચૂંટણીપંચમાં ફરિયાદ. જાણો આ અંગે વધુ અહીં.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની કહેવાતી બોગસ ડિગ્રી ચર્ચાનો વિષ્ય બની છે ત્યારે ચૂંટણીના કારણે આ મામલે બળતામાં ઘી હોમાયા જેવી પરિસ્થિતિ આકાર પામી છે. ભાજપના વાવ બેઠકના ઉમેદવાર અને ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી હાલ બનાસકાંઠાની વાવ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વાવના જ કોંગ્રેસી ઉમેદવાર ગેની બહેને પત્ર લખીને ચૂંટણી પંચ સામે રજૂઆત કરીને આ ડિગ્રી અંગે માંગણી દર્શાવી છે. ગેની બહેને તેમની ફરિયાદમાં ચૂંટણી પંચને ભાજપના ઉમેદવાર, શંકર ચૌધરીની ડિગ્રીની તપાસ કરવાની માંગણી કરી છે.
સાથે જ ગેનીબહેને માંગણી કરી છે કે ખોટી ડિગ્રી બતાવવા મામલે શંકર ચૌધરીનુ ફોર્મ પણ રદબાતલ કરવામાં આવે. જોકે આ મુદ્દો કોર્ટમાં હોવાથી ચૂંટણી પંચે કોંગ્રેસી ઉમેદવાર ગેનીબહેનને રજૂઆતને ધ્યાનમાં લીધી ન હતી. પણ ફરી એક વાર શંકર ચૌધરીના ડિગ્રી વિવાદનો મધપુડો છંછેડાયો હતો. અને ડિગ્રી વિવાદ મામલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબહેનને વાવ ખાતેથી ભાજપ ઉમેદવાર શંકર ચૌધરી વિરુદ્ધ ઉતારવામાં આવ્યા છે.