For Daily Alerts
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઇ પટેલની એક વર્ષ સુધી મુ્દ્દત લંબાવાઇ
નવી દિલ્હી/વેરાવળ, 21 ડિસેમ્બર: ગુજરાતના પ્રસિધ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટી મંડળની એક બેઠક શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન દિલ્હી ખાતે મળી ગઇ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એલ.કે. અડવાણી, જે.ડી. પરમાર, હર્ષવર્ધન નિઓટીયા, ચેરમેન કેશુભાઇ પટેલ, સેક્રેટરી લહેરી હાજર રહ્યા હતાં.
વડાપ્રધાન નિવાસ સ્થાને મળેલી સોમનાથ ટ્રસ્ટીમંડળની આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા, આ ઉપરાંત ટ્રસ્ટના વિકાસ કાર્યો અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય એ લેવાયો, કે ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઇ પટેલને આગામી એક વર્ષ સુધી સર્વસંમતિથી યથાવત રાખવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેતાના નિધનથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગે પણ વિચાર કરાયો અને તે અંગેની વરણી માટે ટ્રસ્ટની હવે પછીની બેઠક આગામી માર્ચ મહિનામાં મળશે. જેમાં નવા ટ્રસ્ટી અંગે ચર્ચા કરવામાં આવશે અને આખીરી નિર્ણય લેવામાં આવશે, આ અંગેની જાણકારી સોમનાથ ટ્રસ્ટના પીઆરઓ કિશોરભાઇ આહીરે આપી હતી.
અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં અત્યારે હાડ થીજવતી ઠંડી છે, જેમાં ટ્રસ્ટના દરેક આગેવાનો પીએમ હાઉસમાં આ બેઠકમાં ભાગ લેવા હાજર રહ્યા હતા. આ બેઠકની એક તસવીર નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉંટમાં પોસ્ટ કરી હતી. જેમાં વડાપ્રધાને ઠંડીથી બચવા માટે શૉલ ઓઢીને બેઠા છે.