ગુજરાત એસટીએ મુસાફરોને અડાબીડ જંગલમા રઝળાવ્યા
'સલામત સવારી, એસટી અમારી' અને 'વધુ બસ, સારી બસ'ના કહેવાતા સારા સ્લોગન હેઠળ ચાલતી જીએસઆરટીસીની કોડીનાર-અમરેલીની બસ જંગલના રસ્તે ખોટકાઈ હતી, જેના પરિણામે મુસાફરો અડાબીડ જંગલમાં અટવાઈ ગયા હતા. વૃદ્ધો તથા નાના બાળકો ભરજંગલમાં પાણી અને ખોરાકની મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે મુસાફરોના જણાવ્યા પ્રમાણે એસટી તંત્રએ આ અંગે કોઈ દરકાર લીધી ન હતી. વળી, સાંજના સમયે એસટી ખોટકાઈ જતા મુસાફરો થોડા ચિંતિત પણ હતા.
ગાઢ જંગલ પાસે સાંજના સમયે એસટી ખોટકાઇ પડતાં બસમાં મહિલાઓ અને બાળકો સાથે મુસાફરી કરી રહેલ લોકોની ચિંતા વધી હતી. આ જંગલમાં અંધારું થતા જ જંગલી પ્રાણીઓ ટહેલવા નીકળી પડતા હોય છે. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, મધ્ય ગીરના સેમરડી નજીક એસ.ટી.બસ બંધ પડી હતી. બસમાં કુલ 55-60 જેટલા મુસાફરો હતા. બસ ચાલુ ન થતાં આખરે તેઓ ખાનગી વાહનની મદદથી માંડ-માંડ ધાર્યા મુકામે પહોંચ્યા હતા.