
રાહુલ ગાંધી પર ઇડીની કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસને લઇને સતત પુછપરછ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આ મામલે સરકાર દ્વારા આકરી તવાઇ કસવામાં આવી રહી છે. ત્યારે, રાહુલ ગાંધી પર કરવામાં આવી રહેલી કાર્યવાહીને કિન્નાખોરી પુર્ણ કાર્યવાહી ગણાવી કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે, ગુજરાતમાં પણ તમામ જિલ્લા મથકો ખાતે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શનમાં કેન્દ્ર સરકારના કિન્નાખોરી ભરેલા પગલા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર થયો હતો જેમાં કોંગ્રેસ કાર્યકરો - આગેવાનોની ઠેરઠેર અટકાયત કરાઈ હતી.
રાહુલ ગાંધીની દિલ્હી સ્થિત ઇડી મુખ્યાલય ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવતાં દિલ્હીમાં પણ કેન્દ્રના શિર્ષ નેતાઓ સાથે જોડાયા હતા. તો ગુજરાતમાં પણ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ એકઠા થઇ કેન્દ્ર સરકારની આ રાહુલ ગાંધી સામેની કાર્યવાહીને વખોડી હતી. ગત ગુરુવારના રોજ ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળીને આ કિન્નાખોર કાર્યવાહી અંગે રજુઆત કરી હતી. આ દરમિયાન પણ કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં મૃતઃપાય થયેલી કોંગ્રેસ રાહુલ ગાંધી પર થયેલી કાર્યવાહીથી જાણે કે, જીવીત થઇ રહી છે. જો આ કાર્યવાહીથી પણ કોંગ્રેસ સક્રિય થઇ અને બદલાની ભાવના થી કોંગ્રેસના નેતા પર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો અહેસાસ કરાવવામાં કોંગ્રેસ સફળ થઇ તો સહાનુભૂતિનો જુવાળ કોંગ્રેસ તરફી પણ વળી શકે છે. પરંતું, લોકોના હિત માટે રસ્તા પર ન આવનારી કોંગ્રેસ આખરે તેમના નેતાને બચાવવા રસ્તા પર ઉતરી આવી છે.