સુરત: રાજ્ય વીમા નિગમ મેનેજરે પેન્શન મંજૂર કરવા માંગી લાંચ, ACBએ ઝડપ્યો
જીવતા લોકો સરકારી બાબુઓનો ત્રાસ અનુભવતા હોય એવા અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિવારને ધક્કા ખવડાવી પૈસાની માંગ કરી માનવતાને મોતને ઘાટ ઉતારે છે તેનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીમાં મેનેજરની નોકરી અને 65 હજારના પગારદાર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલે પેન્શન મંજૂર કરવા માટે 20 હજાર લાંચમાં ACBના છટકામાં આવી ગયો હતો.

એસીબીના છટકામાં ફસાયો
રાજ્ય વીમા નિગમન કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ફસાયો હતો. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મેકિનિકલ પ્રોડક્શન પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા યુવકના પિતાનુ બે મહિના પહેલા અવસાન થયુ હતુ. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનુ અકસ્માતે અવસાન થયુ હતુ. જેથી યુવકની માતા રાજ્ય પેન્શન વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વીરેન્દ્રસિંહ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાય તે પહેલા જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી.


20 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો
પિતાનુ અવસાન થયુ ઉપરથી માતાને પતિનુ પેન્શન મળી રહે જેનાથી તેનો જીવનનિર્વાહ ચાલે એ પહેલા જ લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક મળે તે માટે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે રાજ્ય વીમા નિગમની કચેરીના મેઈન ગેટની સામે એસીબીએ છટકુ ગોઠવીને મેનેજર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલને 20 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

એસીબી અધિકારીએ જણાવી વિગત
એસીબી અધિકારીએ જણાવ્યુ કે, ફરિયાદીએ અમને જ કે તેમના પિતા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા હતા અને એ કંપની મારફતે તેમનો એક વીમો લેવામાં આવ્યો હતો. ફરિયાદીના પિતાનુ ડિસેમ્બર 2019માં રોડ અકસ્માતે મૃત્યુ થયુ હતુ. જેથી વીમા કંપનીએ જે વીમો લેવડાવેલો હતો એ અનુસંધાનમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીમાં જઈ ફરિયાદીએ પેપર સબમિટ કર્યા પરંતુ આ ફાઈલ પાસ કરાવવા માટે આરોપી મેનેજર વીરેન્દ્રસિંહ ઉમરાવસિંહ પાલે 20 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચોઃ ભારતમાં સૌથી પહેલા જે યુવતીને થયો કોરોના વાયરસ, તેણે કહી 39 દિવસની આપવીતી