
સુરતઃ ફૂડ લાયસન્સના અભાવે અઠવા ઝોનની 5 દુકાનો પર તાળાં
મંગળવારે વહેલી સવારે સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન વિસ્તારની આરોગ્ય વિભાગની ટીમે એક્શન મોડમાં આવતાં 5 દુકાનો સિલ કરી હતી. ફૂડ લાયસન્સ નહીં હોવાને કારણે આ દુકાનો સિલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે એક પછી એક પાંચ દુકાનો સિલ કરતાં અઠવા વિસ્તારના વેપારીઓમાં ફફડાટ પેઠો હતો. સિલ કરવામાં આવેલ પાંચ દુકાનોમાં ફરસાણની દુકાનો ઉપરાંત ટીજીબી કાફે અને બ્રેડલાઇનર જેવી ફ્રેન્ચાઇઝીનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ગુજરાતનું આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક સમયથી સતર્ક થયું છે. કાર્બનથી પકાયેલી કેરી પર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તે સાથે જ રાજકોટ, પોરબંદર સમતે સુરત, વડોદરા અને અમદાવાદનું આરોગ્ય ખાતું પણ હાલ અવારનવાર આવી અખાદ્ય કેરીઓ પર કાર્યવાહી કરી રહ્યું છે. સાથે જ ખાવા પીવાની અન્ય વસ્તુઓ પર પણ આરોગ્ય વિભાગ દરોડા પાડી કાર્યવાહી કરી છે. ત્યારે લોકોએ આરોગ્ય વિભાગની આ સતર્કતાને બીરદાવી છે.