સુરત : BRTS કોરીડોરમાં કાર ચલતા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા
સોશિયલ મીડીયામાં સુરત ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર નકુમનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમને એક જાગૃત નાગરિકે રસ્તામાં રોકીને કહ્યું હતું કે જો સામાન્ય માણસો બીઆરટીએસ કોરીડોરમાં વાહન ચલાવે તો પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે. પણ, ખુદ પોલીસ અધિકારી જ બીઆરટીએસના કોરીડોરમાં વાહન ચલાવે તો તેમની સામે કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી તે યોગ્ય નથી. જેથી ખુદ પીઆઇ નકુમ માફી માંગતા જણાતા હતા અને કહેતા હતા કે તેમને ઉતાવળ હોવાથી તે બીઆરટીએસ કોરીડોરમાંથી કાર લઇને નીકળ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેકટર ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ મોટા પ્રમાણમાં વાયરલ થયો હતો અને ખાસ કરીને વિવિધ વોટસએપ ગ્રુપમાં ફરતો થયો હતો. જે બાદ શુક્રવારે સવારે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ આ વીડીયો જોયા બાદ તાત્કાલિક અસરથી પીઆઇ નકુમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ કેસની તપાસ ડીસીપી લેવલના ઓફીસરને સોંપી હતી.
આ બાબતની જાણ થતા સુરત પોલીસ બેડામાં જ નહીં પણ સમગ્ર ગુજરાત પોલીસમાં ચર્ચા જાગી હતી. જો કે સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા કહે છે કે કાયદો બધા માટે સરખો છે અને જો ખુદ પોલીસ જ કાયદાનો અને નિયમોનો ભંગ કરે તો તેમના માટે માફી ન હોવી જોઇએ. જેથી આ પગલું ભરવામાં આવ્યું છે. પીઆઇની આવી હરકતથી પોલીસની ઇમેજ પણ ખરાબ થાય છે. બીજી તરફ પોલીસ કમિશનરે એવો પણ આદેશ આપ્યો છે કે પીઆઇ નકુમ સામે ટ્રાફિકના નિયમનો ભંગનો ગુનો નોંધીને પણ કાર્યવાહી કરવામા આવે જેથી સમાજમાં એક દાખલો બેસાડી શકાય કે કાયદો તમામ લોકો માટે સરખો છે.
આ બાબતે એક સ્થાનિક વ્યક્તિ કહે છે કે બીઆરટીએસ કોરીડોરમાં માત્ર પીઆઇ લેવલના જ નહી પણ આઇપીએસ ઓફિસરની સરકારી કાર પણ બીઆરટીએસ કોરીડોરમાં ચાલતી જોવા મળે છે. જો કે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. પણ, પીઆઇ નકુમનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા પોલીસ કમિશનરે આ બાબતે ગંભીરતાથી લીધી છે અને કાર્યવાહીના ઓર્ડર આપ્યા તે સારી બાબત છે.