સુરતમાં ચોરની ટોળકીએ કરી 9 લાખની સાડીની ચોરી
હાલમાં લગ્નસરા ચાલી રહ્યા છે, ત્યારે મહિલાઓનું ધ્યાન સાડી પર કેન્દ્રિત હોય છે. એવા સમયમાં સુરતમાં ચોર ટોળકીએ પણ સાડી પર હાથ સાફ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલા ટેક્સ્ટાઇલની બોમ્બે માર્કેટ સાડી તેમજ ડ્રેસીસ માટેનું હબ ગણાય છે. બોમ્બે માર્કેટ બિલ્ડીંગમાં સાડી તેમજ ચણિયા ચોળીની અંસખ્ય દુકાનો અને શો રૂમ આવેલા છે. સુરતમાં ચોર ટોળકીએ બોમ્બે માર્કેટમાંથી સાડીની ચોરી કરતા હોબાળો મચી ગયો હતો.
બોમ્બે માર્કેટમાં આવેલી દુકાનમાં આશરે 9 લાખની સાડીઓ ચોરાઈ હતી. આ સાડીઓ દુકાનમાં જોબવર્ક માટે આવી હતી. ચોરોએ કેવી રીતે ચોરી કરી એ અંગે સીસીટીવીની મદદથી પોલીસ ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. બે શંકાસ્પદોને પકડવા માટે રાજસ્થાન તરફ ટીમ પણ રવાના કરી છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર આ સાડીઓ તેમની માલિકીની નહોતી. સાડીઓ તેમની પાસે જોબવર્ક માટે આવી હતી, જેમાં કેટલુંક ભરતકામ કરવાનું હતું. આ ચોરીને પગલે દુકાન માલિકોની ચિંતામાં પણ વધારો થયો છે.