દેશ છોડીને ભાગ્યો સ્વામી નિત્યાનંદ, ગુજરાત પોલિસનો દાવો
ગંભીર કેસોમાં આરોપી સ્વયંભૂ બાબા સ્વામી નિત્યાનંદ દેશ છોડીને વિદેશ ભાગી ગયો છે એ વાતની પુષ્ટિ ખુદ ગુજરાત પોલિસે કરી છે. નિત્યાનંદ ઉપર બાળકોના અપહરણ અને તેમને પોતાના આશ્રમમાં બંધક બનાવીને તેમની પાસેથી દાન એકઠુ કરાવવાનો આરોપ છે. આ કેસમાં જ નિત્યાનંદની જ બે મહિલા અનુયાયીઓની મંગળવારે ગુજરાત પોલિસે ધરપકડ કરી હતી. નિત્યાનંદ સામે ઠોસ પુરાવા એકઠા કરવા માટે ગુજરાત પોલિસે ગુરુવારે તેમની બંને મહિલા અનુયાયીઓને રિમાન્ડ પર લીધી.

નિત્યાનંદને હવે અહીં શોધવા સમયની બરબાદી
પોલિસે બુધવારે નિત્યાનંદ સામે બાળકોનુ અપહરણ કરવા અને પોતાના આશ્રમ યોગિની સર્વજ્ઞપીઠમ ચલાવવા માટે અનુયાયીઓ પાસેથી દાન એકઠુ કરવા માટે બાળકોને ખોટી રીતે બંધક બનાવવો કેસ નોંધવામાં આવ્યો હતો. અમદાવાદના એસપી (ગ્રામીણ) આરવી અન્સારીએ જણાવ્યુ કે નિત્યાનંદ વિદેશ ભાગી ચૂક્યો છે અને જો જરૂર પડી તો ગુજરાત પોલિસ યોગ્ય પ્રક્રિયા હેઠળ તેની ધરપકડની માંગ કરશે. તેમણે કહ્યુ કે કર્ણાટકમાં નિત્યાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયા બાદ તે દેશ છોડીને ભાગી ગયો છે અને હવે તેને અહીં શોધવો સમયની બરબાદી છે. જો તે ભારત પાછો આવશે તો તેની જરૂર ધરપકડ કરશે.

પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની પૂછપરછ ચાલુ
અમદાવાદ ગ્રામીણના ડેપ્યુટી એસપી કેટી કામરિયાએ જણાવ્યુ કે નિત્યાનંદની બે અનુયાયીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની મંગળવારે કિડનેપિંગ, ગેરકાયદેસર રીતે બંધક બનાવવા અને અન્ય આરોપોમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બંનેની બુધવારે સાંજે કોર્ટે પાંચ દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દીધા. બંનેની પોલિસ હાલમાં પૂછપરછ કરી રહી છે. ડેપ્યુટી એસપીએ એ પણ જણાવ્યુ કે પોલિસ નિત્યાનંદના આશ્રમથી ગાયબ થયેલી એ મહિલાના કેસની પણ તપાસ કરી રહી છે જેમાં મહિલાના પિતા જનાર્દન શર્માએ વિવેકાનંદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ સંજય રાઉતનુ મોટુ નિવેદન, ‘પૂરા 5 વર્ષ માટે હશે શિવસેનાના CM'

કેસમાં શામેલ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહિ આવે
ડેપ્યુટી એસપી કેટી કામરિયાએ જણાવ્યુ, ‘અમે નિત્યાનંદની બે અનુયાયીઓને રિમાન્ડ પર લીધી છે, જો અમને વર્તમાન તપાસ દરમિયાન નિત્યાનંદ સામે ઠોસ પુરાવા મળ્યા તો અમે તેની સામે કેસ આગળ વધીશુ. એફઆઈઆરમાં નિત્યાનંદને એક આરોપી તરીકે રાખવામાં આવ્યો છે પરંતુ હજુ પણ અમને તેની સામે કેસ આગળ વધારવા માટે ઠોસ પુરાવા જોઈએ.' વળી, ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે આ કેસમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહિ આવે. તેમણે જણાવ્યુ કે ડીજીપીએ સંબંધિત એસપીને કેસની તપાસ માટે એક ટીમ બનાવવાના નિર્દેશ આપી દીધા છે.