ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ ક્યાં? : અલ્પેશ ઠાકોર
ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે દહેગામ તાલુકાના નાંદોલ ગામે લોકોને સંબોધન કરતા દારૂબંધીથી લઇને સામાન્ય જનતાને સ્પર્શતા મુદ્દા પર વાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ગુજરાત ગાંધીજીના નામે ઓળખાય છે. જ્યાં દારૂબંધી તો છે, પણ તેનું કડક અમલ થતું નથી. ઠાકોર સેનાના યુવાનોએ તે કાયદાને કડક બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર 9 ઓક્ટોબરે ગાંધીનગરમાં 'જનાદેશ' સભાનું આયોજન કર્યું છે. જેમા તે ભાજપ કે કોંગ્રેસ પક્ષ પૈકી કયા પક્ષમાં જોડવાનો છે તે નક્કી કરશે.
ગુજરાતની સ્થિતિ અંગે વાત કરતા અલ્પેશે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજનના કાર્યકરો અને ગ્રામ પંચાયતના પટ્ટાવાળાઓની સરકારી કર્મચારીમાં ગણના થતી નથી તથા આ કર્મચારીઓને યોગ્ય પગાર પણ મળતો નથી. જેવા વિવિધ મુદ્દાઓ જણાવી ઠાકોર સેનાએ પ્રજાની સરકાર બને અને લોકોમાં સુખાકારી આવે તે માટે તમામ લોકોને એક થવાનું આહવાન કર્યુ હતું. ટૂંક જ સમયમાં અલ્પેશ ઠાકોર પોતે કયા પક્ષમાં જોડાશે તેની જાહેરાત કરશે. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે અલ્પેશ ઠાકોર સમગ્ર ગુજરાતમાં 'જનાદેશ સભા' કરી રહ્યા છે.