એ ગુજરાતી મહિલાઓ જેમણે પુરુષોનું ક્ષેત્ર ગણાતાં ઑટોમોબાઇલમાં દોઢ દાયકાથી દબદબો સ્થાપ્યો
તમે ઘણી મહિલાઓને વ્યવસાય કે વેપાર સાથે સંકળાયેલી જોઈ હશે.
મહિલા મિકૅનિક, મહિલા બસ-ડ્રાઇવર, મહિલા-પાઇલટ અને મહિલા-ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ.
પરંતુ શું તમે ક્યારેય વાહન બનાવવાની ઍસેમ્બલી લાઇન પર વાહનના વિવિધ ભાગોને જોડતી કોઈ મહિલાને જોઈ છે?
ચાલો, જોઈ નથી તો ક્યારેક આ દૃશ્ય વિચાર્યું છે ખરું?
આપણે ક્યારેય જે વિચાર્યું પણ નથી તે દૃશ્ય ગુજરાતની એક ફેકટરીમાં એક સામાન્ય બાબત બની ગઈ છે.
ગુજરાતના મોરબીની એક કંપનીની ફેકટરીમાં ઈ-બાઇકની મોટા ભાગની ઍસેમ્બલી લાઇન મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે.
આટલું જ નહીં છેલ્લાં પંદર વર્ષથી ઈ-બાઇક બનાવતી આ કંપનીની ફેકટરીમાં 90 ટકા જેટલી યુવતીઓ કામ કરે છે.
આ કંપની છે 'ઓરેવા', જ્યાં મહિલાઓને રોજગારી આપવાનું આ વલણ છેલ્લાં પંદર વર્ષથી જળવાઈ રહ્યું છે.
આ અહેવાલમાં અમે તમને જણાવીશું એ યુવતીઓની કહાણી જેમણે લિંગભેદની સંકુચિત માનસિકતા ફગાવી અને ઑટોમોબાઇલ ક્ષેત્રમાં એક રીતે પોતાનો દબદબો સ્થાપી લીધો.
- અફઘાનિસ્તાન : 'સામ્રાજ્યોનું એ કબ્રસ્તાન' જ્યાં વિશ્વની શક્તિશાળી સેનાઓ 180 વર્ષથી હારતી આવી
- કલ્યાણસિંહ : એ ભૂલ ના કરી હોત તો આજે અટલ-અડવાણી પછી પક્ષના સૌથી મોટા નેતા હોત
- નરેશ કનોડિયા : કારમી ગરીબીથી ગુજરાતી સિનેમાના સુપર-સ્ટાર સુધીની સફર
પુરુષપ્રધાન કામ પર હાંસલ કર્યો મહારત

લગભગ સંપૂર્ણપણે મહિલાસંચાલિત આ કંપનીમાં યુવતીઓ આત્મવિશ્વાસથી ભરેલી દેખાય છે.
આમ, આ યુવતીઓએ હવે પગભર બની સમાજમાં એક નવું ઉદાહરણ સ્થાપી રહી છે.
આવાં જ એક સ્વનિર્ભર યુવતી છે, વૈશાલી મકવાણા.
મોટા ભાગે પુરુષપ્રધાન ગણાતા ક્ષેત્રમાં ઝંપલાવવાનું કારણ જણાવતાં વૈશાલી કહે છે, "આ ક્ષેત્રમાં કામ કરવું એ મારું સ્વપ્ન હતું. હું મારાં પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે આ કામ કરું છું."
વૈશાલીની જેમ જ આત્મવિશ્વાસથી ભરાયેલાં છે સુરેન્દ્રનગરનાં પ્રીતિ. પ્રીતિ છેલ્લાં પાંચ વર્ષથી ઑટોમોબાઇલ સૅક્ટરમાં કામ કરી રહ્યાં છે.
તેઓ સ્વનિર્ભર હોવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં કહે છે, "ઑટોમોબાઇલ ક્ષેત્રે કામ કરવાથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ માત્ર પુરુષો જ કરી શકે. માત્ર હું જ નહીં અહીં મારાં જેવી ઘણી યુવતીઓ કામ કરે છે."
તેઓ પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, "માત્ર ઑટોમોબાઇલ સૅક્ટર જ નહીં, કોઈ પણ કામ એવું નથી હોતું, જે માત્ર પુરુષો જ કરી શકે છે. મહિલાઓ બધાં કામો કરવા માટે એટલી જ સમર્થ છે."
તેઓ આ કામ સાથે સંકળાઈને પોતાના અનુભવો વિશે વધુ વાત કરતાં કહે છે કે, "હું આ કામ કરીને ખૂબ ખુશ છું. મારી સાથે સાથે મારો પરિવાર પણ આત્મનિર્ભર બન્યો છે."
આ યુવતીઓ પૈકી અન્ય એક યુવતી જૈનિકા ચાવડાનું માનવું છે કે હવે ધીરે-ધીરે પુરુષો અને મહિલાઓ માટેનાં જુદાંજુદાં કામોની યાદીઓ ઘટી રહી છે.
તેઓ પોતાની અને મહિલાઓની કાબેલિયત પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, "હાલ માતાપિતા દીકરો હોય કે દીકરી બધાને સમાન શિક્ષણ આપે છે. તો બંને માટે તકો પણ સમાન થઈ ગઈ છે. આમ હવે સ્ત્રીઓ પુરુષો કરતાં કોઈ વાતે પાછળ હોય તેવું રહ્યું નથી. તેવું જ આ ક્ષેત્રમાં પણ છે."
ફેકટરીનું મોટા ભાગનું કામ સંભાળે છે મહિલાઓ
મોરબીના સામખિયાળી પાસે આવેલ આ ફેકટરીમાં દૈનિક ધોરણે 500 જેટલી ઈ-બાઇક બની શકે છે.
અદ્ભુત વાત તો એ છે કે, આ ફેકટરીનાં લગભગ 80-90 કામોનો ભાર મહિલાઓ જ ઉઠાવે છે.
ફેકટરીમાં ઈ-બાઇક માટે જરૂરી પાર્ટ્સ બનાવવાની સાથે તેનાં ટેસ્ટિંગ, ફીટિંગ અને વાઇરિંગ જેવાં તમામ કામો આ યુવતીઓ જ કરે છે.
આટલું જ નહીં બાઇકની ઍસેમ્બલીથી માંડીને તેના તમામ પાર્ટ્સની ચકાસણી કરવાની ચોકસાઈ પણ આ યુવતીઓએ કેળવી લીધી છે.
'મહિલાઓ વધુ કાર્યક્ષમતા સાથે કરી શકે છે કામ'
મોટા ભાગે મહિલાસંચાલિત આ કંપનીના માલિક જયસુખ પટેલ સામાન્ય રીતે પુરુષોનું કામ ગણાતા આ ઉદ્યોગમાં મહિલાઓને સમાવી લેવાના વિચારને પોતાના પિતાના દૃષ્ટિકોણનું પરિણામ ગણાવે છે.
તેઓ આ ક્ષેત્રે મહિલાઓની કાર્યક્ષમતાનાં વખાણ કરતાં કહે છે કે, "અમારી કંપની લાઇટ વિહિકલ બનાવે છે. ઘણાં વર્ષોથી મહિલાઓ અમારે ત્યાં કામ કરે છે. તેથી અનુભવે અને અભ્યાસે ખબર પડી છે કે આ કામ મહિલાઓ વધુ સારી રીતે અને અનુકૂળતાથી કરી શકે છે. અને મહિલાઓ આ ક્ષેત્રમાં વધુ આઉટપુટ પણ આપી શકે છે."
અહીં નોંધનીય છે કે અજંતા કંપની પાછલાં ઘણાં વર્ષોથી મહિલા રોજગારીને પ્રોત્સાહિત કરી રહી છે. 'ગ્રૂપ ઑફ અજંતા કંપની'માં અંદાજે સાતથી આઠ હજાર મહિલાઓ કામ કરી પોતાની રોજગારી રળે છે.
મોટા ભાગે ઑટોમોબાઇલ ક્ષેત્રમાં યુવતીઓ માટે કામ કરવું મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ આ માન્યતા આ આત્મવિશ્વાસુ યુવતીઓ અને અજંતા કંપની તોડવામાં સફળ રહી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=eBviIanVlqs
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો