સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ લોન્ચ થઇ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાતની દેશભરમાં નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ગાંધીનગર માં લોન્ચ કરી હતી. તેમણે ઉદાહરણરૂપે 10 જેટલા વિદેશ જનારા યુવક-યુવતીઓને ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ અર્પણ કરી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારતમાંથી વિદેશમાં પ્રવાસન માટે કે ટુંકાગાળા માટે જતાં ભારતીય નાગરિકોને જે તે દેશમાં વાહન હંકારવા માટેની પરમીટ, જે તે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઓછામાં ઓછા એક વર્ષની હોય છે અને જો વીઝાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો તેટલા સમયગાળા માટે ઇસ્યુ કરવામાં આવે છે.
હાલ ઇસ્યુ કરવામાં આવતું ડ્રાઇવીંગ લાયસન્સ બુક ફોર્મેટમાં અને હાથથી લખાણવાળું હોવાથી તેને સાચવવામાં ઘણી તકલીફ રહેતી હતી, તે આ નવા સ્માર્ટ કાર્ડથી દૂર થઇ જશે. એટલું જ નહિ, જ્યારે આંતરરાષ્ટ્રીય ઓથોરીટી સમક્ષ રજુ કરવામાં આવશે ત્યારે પરમીટની Authenticity અને Credibility અંગે કોઇ શંકા ઊભી થશે નહીં. આપણા પ્રવાસીઓને અને નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ.
અહીં વાંચો - ATMમાંથી નીકળી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની રૂ.2000ની નોટ
ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ માટે ફી તરીકે રૂા.500/- વસુલ કરવામાં આવે છે. આ ફીમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઇસ્યુ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ આ નવતર પહેલરૂપ અભિગમ માટે વાહનવ્યવહાર વિભાગને બિરદાવ્યો હતો.