રાજ્ય સરકારે કોરોના નિયમો હળવા કર્યા, હવે માત્ર આ શહેરોમાં જ રાત્રી કર્ફ્યૂ!
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડી રહી છે. 25 હજાર આસપાસ પહોંચેલો કોરોના કેસનો આંકડો હવે ધીરે ધીરે નીચે આવી રહ્યો છે ત્યારે હવે સરકારે પણ કોરોના નિયમો હળવા કર્યા છે. રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈનમાં સુધારા વધારા કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. આ સિવાય ધંધા રોજગાર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લાર રાખી શકાશે.
કોર કમિટીએ નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર (નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.
ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર, હોટલ-રેસ્ટોરન્ટ્સમાં રાતના ૧૧ વાગ્યા સુધી કુલ બેઠક ક્ષમતાના ૭૫ ટકા ગ્રાહકો સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી ૨૪ કલાક ચાલુ રાખી શકાશે. તમામ રાજકીય ,સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક જાહેર સમારંભો કે ધાર્મિક સ્થળોએ પણ તેની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓ સાથે ઉજવી શકાશે. લગ્ન સમારંભોમાં ખુલ્લી જગ્યામાં કુલ ૩૦૦ અને બંધ સ્થળોએ ક્ષમતાના ૫૦ ટકા મહત્તમ ૧૫૦ની મર્યાદામાં યોજી શકશે.