ભાવનગરમાં પ્રથમ વાહન સ્ક્રેપિંગ સુવિધા માટે MoU થશે, વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે
ભાવનગરમાં સમર્પિત વાહન સ્ક્રેપિંગ સુવિધા સ્થાપવા માટે મેમોરેન્ડન ઓફ અન્ડરસ્ટેડિંગ (MoU) 13 ઓગસ્ટના રોજ ઔપચારિક કાર્યક્રમમાં હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે. ગુજરાત સરકારના એક સુત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (MoRTH) નીતિન ગડકરી નવી દિલ્હીના અન્ય અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેશે. આ ઇવેન્ટમાં ભારત સરકારની વ્હીકલ સ્ક્રેપિંગ નીતિ 200-300 ઓટોમોબાઇલ ડીલર્સ અને દેશભરમાંથી આમંત્રિત રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રથમ વાહન સ્ક્રેપિંગ સુવિધા અલંગ નજીક ભાવનગરમાં સ્થાપવામાં આવે તેવી અપેક્ષા છે જ્યાં શિપ બ્રેકિંગ અને રિસાયક્લિંગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ઇન્ડક્શન ફર્નેસ અને સ્ટીલ-રી-રોલિંગ મિલો સહિત જરૂરી ઇકોસિસ્ટમ પહેલેથી હાજર છે, બંદરોના એક અધિકારી અને રાજ્ય સરકારના પરિવહન વિભાગે જણાવ્યું હતું.
ગુજરાતમાં ઇવેન્ટ દરમિયાન રોકાણકારોની હેન્ડબુકનું અનાવરણ પણ કરવામાં આવશે. ભારત 15-20 વર્ષ જૂનાં વાહનોનું ફરજિયાત ફિટનેસ પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે, જે કારણે આ ઇવેન્ટને મહત્વની માનવામાં આવી રહી છે.
પરીક્ષણમાં નિષ્ફળ જતા વાહનો સ્ક્રેપિંગ માટે મોકલવામાં આવશે. જૂના અને અયોગ્ય ઓટોમોબાઇલ્સને રદ કરવાની નવી નીતિ એપ્રિલ 2022થી શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.