
બુલેટ ટ્રેનના વિરોધમાં હજારો ખેડૂતો, કહ્યુ જીવ આપીશું, જમીન નહિં
ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગુજરાત-મહારાષ્ટ્રમાં થઈ રહેલા જમીન અધિગ્રહણમાં અડચણો આવી રહી છે. આ રાજ્યોમાં હજારો ખેડૂતો જમીન અધિગ્રહણના વિરોધમાં છે. આ ખેડૂતો પોતાની જમીન છોડવા તૈયાર નથી. વિરોધનું મુખ્ય કારણ એ છે કે લોકોને તેમની જમીનના પૂરતાં પૈસા મળ્યા નથી. ખેડૂતોએ સરકારના આ પગલાને બંધારણની વિરુદ્ધનું ગણાવ્યુ છે. જમીન અધિગ્રહણ કરાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે. પ્રોજેક્ટ માટે અત્યાર સુધી હજારો કિલોમીટર સુધીનું અધિગ્રહણ થઈ ચૂક્યુ છે. જો કે હજુ પણ એવા ઘણા ગામ છે જ્યાં ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી. જો સરકાર આ જમીન-અધિગ્રહણની કામગીરી પૂરીં કરી લે તો બુલેટ ટ્રેનનું કામ શરૂ થઈ જશે અને આ પ્રોજેક્ટ 2023 સુધી પૂરું થઈ શકે.

ખેડૂતો જીવ આપવા તૈયાર પણ જમીન નહિં
જમીન અધિગ્રહણ વિરુદ્ધ નવસારી સહિત અનેક જિલ્લામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગામના લોકોનું કહેવું છે કે અમે જીવ આપી દઈશું પણ અમારી જમીન આપીશું નહિં. અહીં 24 ગામોના લોકો સરકારની વિરોધમાં ઉભા થયા છે. આ ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થઈ રહી છે. જેથી જમીન અધિગ્રહણની પ્રકિયા ચાલી રહી છે પણ ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે જમીનના વળતરની કોઈ ચોક્કસ કિંમત નક્કી કરાઈ નથી. ખેતીવાડીની જમીન ઉપરાંત ઘણી સંખ્યામાં રહેણાંક મકાનો પર પણ કબજો લેવાની જરૂર પડશે.

8 જિલ્લામાંથી 2,370 ફરિયાદો
જુલાઈમાં એક રિપોર્ટ અનુસાર બુલેટ ટ્રેન માટે ગુજરાતના 8 જિલ્લામાંથી 74,62,493 વર્ગ મીટર જમીન અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે. જે મુજબ અત્યારે બીજા તબક્કાનું કામ બાકી છે. જો કે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ વગેરેને 8 જિલ્લામાંથી 2,370 ફરિયાદો મળી છે. આ ફરિયાદોને કારણે બુલેટ ટ્રેનનું કામ વચ્ચે અટકી પડે તેમ છે.

55,000 મેન્ગ્રોવ ટ્રીનું નિકંદન
મહારાષ્ટ્રમાં સમુદ્રની નજીક એટલે કે દરિયા કિનારે થઈ બુલેટ ટ્રેનની લાઈન પસાર થશે. આ માટે 55,000 મેન્ગ્રોવ ટ્રીનું નિકંદન કાઢી દેવાશે. મેન્ગ્રોવ એવા વૃક્ષ છે જે ખારા પાણી કે અર્ઘ ખારાપાણીમાં થાય છે. જ્યાં કોઈ નદી કે કોઈ સાગર કે જ્યાં મીઠા અને ખારા પાણીનું મિશ્રણ થતુ હોય ત્યાં આ વૃક્ષો થાય છે. સારા વાતાવરણ માટે આ વૃક્ષો જરૂરી છે. જેથી આ વૃક્ષો ન કપાય તે માટે લોકો વિરોધ કરતા હાઈકોર્ટ સુધી પહોંચી ગયા છે.

સપ્ટેમ્બર 2017માં મુકાઈ હતી પહેલી બુલેટ ટ્રેનની આધારશિલા
14 સપ્ટેમ્બર 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જાપાની પ્રધાનમંત્રી શિંઝો અબે સાથે બેઠક કરી હતી. ત્યારે જાપાનના સહકારથી 1.08 લાખ કરોડની અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાની આધારશિલા મુકાઈ હતી. આ પરિયોજનાને 2022સુધી પૂરીં કરવાનું લક્ષ્ય રખાયુ હતુ. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટરની આ પરિયોજના માટે ગુજરાત, દાદરા નાગર હવેલી અને મહારાષ્ટ્રમાં કુલ 1380 હેક્ટરમાં જમીન અધિગ્રહણ કરાશે.

જાપાને 88,000 કરોડનું દેવું આપવાનો કર્યો છે વાયદો
મોદી-શિંઝોની મુલાકાતમાં નક્કી થયુ છે કે જાપાન સરકાર આ સુપર-સ્પીડ ટ્રેન માટે ભારતને 88,000 કરોડ રૂપિયાનું દેવું આપશે. ત્યારથી આ પરિયોજના માટે રચાયેલી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માટે ડિસેમ્બર 2018 સુધી તમામ જમીન અધિગ્રહણની કામગીરી કરી દેવાનો નિર્દેશ કર્યો હતો. જો કે સરકાર દ્વારા ધાર્યા અનુસાર કામ થઈ શક્યુ નથી. કાર્યકાળ પૂરોં થયાના 8 મહિના વીતી ગયા છતાં કુલ જમીનના 50 ટકાનું પણ જમીન અધિગ્રહણ થઈ શક્યુ નથી.

કયા જિલ્લામાંથી કેટલું જમીન અધિગ્રહણ થશે
ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે 3 વર્ષોમાં બુલેટ ટ્રેન પરિયોજના માટે રાજ્યના કુલ 8 જિલ્લામાંથી 74,62,493 વર્ગ મીટર જમીન અધિગ્રહણ પ્રકિયા થઈ. જે મુજબ આણંદમાં 47,7672 વર્ગ મીટર, ખેડામાં 10,93,987 વર્ગ મીટર, વડોદરામાં 9,51,783 વર્ગ મીટર, ભરૂચમાં 12,83,814 વર્ગ મીટર, સુરતમાં 14,11,997 વર્ગ મીટર, નવસારીમાં 8,62,088 વર્ગ મીટર અને વલસાડમાં 1,09,389 વર્ગ મીટર જમીનનું અધિગ્રહણ કરાઈ રહ્યુ છે. એટલે કે ગુજરાતમાં 746 હેક્ટરથી વધુ જમીન અધિગ્રહણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

80 ટકા જમીનનું અધિગ્રહણ થયુ, બાકીનું લટક્યુ
સરકારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 20 ટકા અને ગુજરાતમાં 60 ટકા જમીન અધિગ્રહણ થયુ છે જ્યારે બાકીની જમીન માટે સરકાર ખેડૂતોને મનાઈ શકી નથી.
આ પણ વાંચો: ગુજરાતના 22 જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ, નર્મદા ડેમ 91% ભરાયો