હજારો લોકો જમ્મુ-કાશ્મીરમાં ફસાયા, રાજકોટના યુવાનોએ આપવીતી સંભળાવી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ખોદવામાં આવેલી સુરંગ મળવાના સમયથી જ અમરનાથ યાત્રા પર સંકટના વાદળો છવાયેલા છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે અચાનક અમરનાથ યાત્રા સ્થગિત રાખવાનો આદેશ જારી કર્યો હતો. આવામાં ઘણા પ્રાંતના લોકો હવે ત્યાં ફસાઈ ગયા છે. જેમાં ગુજરાતના રાજકોટના ઘણા યુવાનો પણ છે. તે લોકો ખોરાક અને પાણી ન મળવાથી પરેશાન છે. સંવાદદાતા મુજબ, કેટલાક યુવાનોએ જણાવ્યું છે કે 5 દિવસથી ઘણા લોકો એક જ જગ્યાએ ફસાયેલા છે.

પાણીની બોટલ 100 રૂપિયામાં મળી રહી છે
એક યુવાને તો એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સ્થાનિક વેપારીઓ પ્રવાસીઓને લૂંટી રહ્યા છે, તેઓ માત્ર પાણીની બોટલ માટે 100 રૂપિયા વસૂલ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આખા દેશમાંથી હજારો લોકો અમરનાથ યાત્રા માટે જમ્મુ-કાશ્મીર ગયા છે.

એક ઓર્ડર આવ્યો અને ભક્તો પાછા ફરવા લાગ્યા
રાજકોટના બિલ્ડર મનન ત્રિવેદી કહે છે કે હું બર્ફાની બાબાના દર્શન માટે મિત્રો સાથે પ્રાઇવેટ કાર લઇને નીકળ્યો હતો. અહીંથી નીકળ્યા ત્યાં સુધી કોઈ વાત ન હતી, પરંતુ જ્યારે અમે કાશ્મીર પહોંચ્યા ત્યારે ચારે બાજુ સૈન્યના જવાનો દેખાવા લાગ્યા અને અમને અમરનાથ ન જવાનું કહેવામાં આવ્યું. પૂછવા પર પ્રથમ વરસાદ અને પાછળથી આતંકવાદી હુમલાના ભયનું કારણ આપવામાં આવ્યું. જે બાદ ભક્તો પાછા ફરવા લાગ્યા.

એક ટીમ સાથે માત્ર 100 કાર મોકલવામાં આવી રહી છે
મનન ત્રિવેદીએ વધુમાં માહિતી આપી હતી કે સેનાના જવાનો દ્વારા લોકોને છેલ્લા પાંચ દિવસથી એક જ જગ્યાએ રાખવામાં આવ્યા છે. જ્યાં હજારો લોકો અમારી સાથે ફસાયેલા છે. અહીં ભંડારા સિવાય ખાવા માટે ન માત્ર વધારે પૈસા આપવા પડી રહ્યા છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડી રહ્યું છે. અમારી પાસે પ્રાઇવેટ કાર છે અને લશ્કરી વાહનની સાથે માત્ર 100 કાર મોકલવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, અમારો વારો આવે ત્યાં સુધી અહીં રાહ જોવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.