
લર્નિંગ લાયસન્સ મેળવવા હવે ટેસ્ટ આપવા જવાની જરૂર નહિ, ઘરે બેઠા મોબાઈલમાં પરીક્ષા આપો અને મેળવો લાયસન્સ
અમદાવાદઃ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગતા લોકો માટે એક રાહતના સમાચાર છે. હવે લર્નિંગ લાયસન્સ મેળવવાી ટેસ્ટ આપવા RTO કે કોઈ પરીક્ષા કેન્દ્ર પર જવાની જરૂર નહિ પડે. રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે છેવટે ઑનલાઈન થવાનો નિર્ણય કરી લીધો છે અને મોબાઈલ એપ્લીકેશન કે કમ્યુટરના ડેસ્કટૉપ પર જ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. વિભાગે ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટનો સમય વધારીને સવારે 6 વાગ્યાથી રાતે 10.30 સુધી કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં કરવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 6 વાગ્યાથી બપોરે 2.15 સુધી અને બીજી શિફ્ટ બપોરે 2.15 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધીની રહેશે.

ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારાયો
હાલમાં કોરોના મહામારીના કારણે રાત્રિ કર્ફ્યુ હોવાથી રાતે 9.20 સુધીમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. સવારે 6 વાગે વેરિફિકેશનની કામગીરી ચાલુ થશે અને 6.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાનો મૂકવામાં આવશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તેમજ બંદર અને ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સંભાળનાર મનોજ કુમાર દાસે જણાવ્યુ કે, 'અમે નેશનલ ઈન્ફોર્મેટીક્સ સેન્ટર(NIC)ને મોબાઈલ ફોન અને પર્સનલ કમ્યુટરમાં પરીક્ષા લેવા માટે સૉફ્ટવેર વિકસાવવા કહ્યુ છે.' તમને જણાવી દઈએ કે અમદાવાદ આરટીઓના જણાવ્યા મુજબ ટુ-વ્હીલર, કાર અને ભારે વાહનોના મળીને રોજના સરેરાશ 450 લાયસન્સ ઈશ્યુ કરવામાં આવે છે. આરટીઓના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદમાં લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ શહેરમાં ITI અને વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ ઓસોસિએશન ખાતે લેવામાં આવે છે.

કેવી રીતે આપશો પરીક્ષા
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ ત્રણ સેન્ટરોમાં રોજ 650થી 700 અરજદારો ટેસ્ટ આપે છે. અગાઉ આ લોકોએ આરટીઓ જવુ પડતુ હતુ. ત્યારબાદ આરટીઓએ આ ટેસ્ટનુ વિકેન્દ્રીકરણ કર્યુ અને આઈટીઆઈને ટેસ્ટ યોજવા માટેની મંજૂરી આપવામાં આવી. અરજદારોને હવે અપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નથી. વ્યક્તિ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી, સ્વ-પ્રમાણિત કરીને ઑનલાઈન ટેસ્ટ આપી શકે છે. અરજદારોએ એક ડિક્લેરેશન આપવુ પડશે જેમાં એ સૂચિત કરેલુ હોય કે તેમણે આપેલા બધા દસ્તાવેજો અસલી છે. આ દસ્તાવેજોની ખરાઈ જ્યારે અરજદાર કાયમી લાયસન્સ માટે અંતિમ પરીક્ષા આપવા આવશે ત્યારે કરવામાં આવશે.

પરીક્ષામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવશે
લર્નિંગ લાયસન્સ માટેના ટેસ્ટ માટે આરટીઓ જવાની હવે જરૂર નહિ પડે. જો અરજદાર 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપશે તો તેને લર્નિંગ લાયસન્સ ઈશ્યુ કરી દેવામાં આવશે અને ત્યારબાદ અરજદાર તેની પ્રિન્ટ કાઢી શકશે. પરીક્ષા દરમિયાન અરજદારે કેમેરો ચાલુ રાખવાનો રહેશે અને રજિસ્ટર કરાવવા માટે ઉપયોગ લેવાતા મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. ટેસ્ટ આપનાર વ્યક્તિ અને અરજદાર એક જ વ્યક્તિ છે તે ચકાસવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત ટેકનોલૉજી યુનિવર્સિટીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓની ઑનલાઈન પરીક્ષા લેવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ અધિકારીએ જણાવ્યુ હતુ.