રાજ્યમાં 7 મહિના બાદ આજે 9941 નવા કોરોના કેસ નોંધાયા!
ગાંધીનગર : ભારત હાલ કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે. હાલ ભારતના મોટા ભાગના રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ સ્પીડે વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો છે. હવે સ્થિતી એ છે કે આમ જ કેસ વધશે તો આગામી દિવસોમાં રાજ્યમાં ગંભીર પ્રતિબંધો લાગી શકે છે.
રાજ્યના આંકડા પર નજક કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 9941 નવા કેસ નોંધાય છે અને 4 લોકોના મોત થયા છે. આજે સુરતમાં 2, વલસાડ અને સુરતમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. જો કે સારી વાત એ છે કે 3449 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફર્યા છે. હાલ રાજ્યમાં 43726 એક્ટિવ કેસ છે.
વિગતવાર આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી વધુ 3843 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 2505, રાજકોટમાં 319 અને વડોદરામાં 776 કેસ નોંધાયા છે. સૌથી મોટી વાત એ છે કે હવે દિવસે દિવસે પોઝિટીવિટી દર પણ સતત વધી રહ્યો છે. હાલ રાજ્યનો પોઝિટીવિટી રેટ 8 ટકા છે. સૌથી મોટી અને ડરાવનારી બાબત એ છે કે અમદાવાદનો પોઝિટીવિટી રેટ 21.5 છે. આ ઉપરાંત સુરતમાં પણ હાલ 11 ટકા પોઝિટીવિટી રેટ સાથે કેસ વધી રહ્યાં છે.
રાજ્યમાં ઓમિક્રોનની વાત કરીએ તો, આજે રાજ્યમાં આજે ઓમિક્રોનના કોઈ નવા કેસ નોંધાયા નથી. બીજી તરફ અત્યારસુધીમાં કુલ 264 લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાંથી 238 લોકો સાજા થયા છે અને 26 એક્ટિવ કેસ છે.