જાણો : અમદાવાદને વિકસાવવા ચીનના ગુઆંગઝાઉ શહેરને જ કેમ પસંદ કરાયું?
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : આજે બપોરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાનની હાજરીમાં ચીનના અધિકારીએ અમદાવાદને દક્ષિણ ચીનમાં આવેલા ગુઆંગઝાઉ શહેરની જેમ ટ્વીન સિટી તરીકે વિકસાવવા માટે સમજુતી કરાર (MoU) કર્યા છે.
અહીં એ જાણવાની ઉત્સુકતા ચોક્કસ થાય કે અમદાવાદના વિકાસ માટે ચીનના આટલા બધા શહેરો છોડીને ગુઆંગઝાઉ સાથે જ શા માટે કરાર કરવામાં આવ્યો છે?
અમદાવાદને વિકસાવવા માટે ગુઆંગઝાઉની પસંદગીના મુખ્ય પાંચ કારણો આ મુજબ છે...

ગુઆંગઝાઉની ભૌગોલિક સ્થિતિ
ગુઆંગઝાઉ દક્ષિણ ચીનમાં આવેલા ગુઆંગડોંગ રાજ્યનું સૌથી મોટું શહેર છે. તે પર્લ નદીના કિનારે વસેલું છે. તે હોંગ કોંગથી 120 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં અને મકાઉથી ઉત્તરપૂર્વ દિશામાં આવેલું છે.

ચીનનું ઐતિહાસિક શહેર છે ગુઆંગઝાઉ
ચીનના ઇતિહાસમાં ગુઆંગઝાઉ મહત્વનું સ્થાન ધરાવે છે. તેનો ઉલ્લેખ ઇ:સ 111 માં પાંજ્યુ નામે છે. આ શહેરમાં 1517માં પહેલ વહેલા યુરોપીયન પોર્ટુગીઝ વેપાર કરવા માટે આવ્યા હતા. તેમણે આ શહેરમાં મોટા જહાજો હોવાનું નોંધ્યું છે.

ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી શહેર છે ગુઆંગઝાઉ
ચીનના તમામ રાજ્યોમાં પર્લ રિવર ડેલ્ટામાં ગુઆંગઝાઉને મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે. અહીં કોમર્શિયલ અને મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

ઉદાહરણીય ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ
ગુઆંગઝાઉ શહેરમાં એરલાઇન્સ, ઇન્ટરસિટી ટ્રાન્સપોર્ટ, રિવર ટ્રાન્સપોર્ટ, અંડરગ્રાઉન્ડ રેલવે સિસ્ટમ, મેટ્રો રેલવે ઉપરાંત બસ, ટેક્સી અને મોટરસાયકલ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની આધુનિક સેવાઓ ઉપલબ્ધ છે.

કલા અને સંસ્કૃતિનો વારસો સચવાયો છે
ચીનના ગુઆંગઝાઉ શહેરમાં કલા અને સંસ્કૃતિનો વારસો સચવાયો છે. અહીં વિવિધ પ્રકારના સ્ક્લપચર્સ, માટીકામ, ભરતકામ જેવી કલાનો વારસો સચવાયો છે.