• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં હળવદ જી.આઈ.ડી.સી માં દીવાલ પડતા દટાયેલા 12 મજૂરોને શોકાંજલી આપવામાં આવી હતી. તેમજ મૃતક અને ઘાયલો માટે સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ સાથે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન બજેટમાં મંજુર થયેલ ગૌ માતાઓના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાઓેને પશુ દીઠ રૂ.૩૦/ની સહાય ગત તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

બજેટ સત્રમાં રૂ.૫૦૦ કરોડની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે. જેમાં રજીસ્ટર્ડ પાંજરાપોળોમાં ૪.૪૨ લાખથી વધુ પશુધન છે તેઓને સહાયરૂપ થવા આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પાંજરાપોળોમાં ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટના નિર્માણ માટે પણ રૂ.૨ કરોડની સહાય અપાશે. જેમાં ૧૪ એકર જમીન તથા ૧૦૦૦થી વધુ પશુ નિભાવ હોય તેને આ યોજનાનો લાભ મળશે.

કેબિનેટની બેઠકમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને સહાયરૂપ થવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આ વખત ચણાની ટેકાના ભાવે બમ્પર ખરીદી પણ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને રૂ. ૧,૪૮૧ કરોડની ચૂકવણી પણ કરી દેવાઈ છે અને જરૂર પડે ટેકાના ભાવે વધુ ચણાની ખરીદી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યા હતા.

દેશની આઝાદીના ૭૫ વર્ષની યાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે હેઠળ દેશભરના તમામ જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણનું કામ હાથ ધરાયું છે એ ક્ષેત્રે પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે જે માટે સંબંધિતોને સત્વરે કામો પૂર્ણ કરવા સૂચનાઓ આપી દેવાઇ છે.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ યાદવ આગામી તા. ૨૩ મે થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓશ્રી ગુજરાતનું ગૌરવસમા એશિયાટીક સિંહોના સંવર્ધન સંદર્ભે તથા ગિર અભયારણ્ય નેસમાં વસતા નાગરિકો, હોટલના માલિકો અને ખેડૂતો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે સંવાદ કરશે. આ ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સમિક્ષા બેઠક યોજશે.

બેઠકમાં ભાજપાની ચિંતન બેઠક યોજાઇ હતી એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના લાભો સત્વરે નાગરિકોને મળતા થાય એ માટે તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને સ્થાનિક કક્ષાએ રિવ્યુ બેઠક કરીને કામો પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.

સેવા સેતુના આઠમા તબક્કાના બીજા રાઉન્ડમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪,૫૭,૨૨૨ અરજીઓ પૈકી ૪,૫૭,૨૧૬ એટલે કે ૯૯.૫૮ ટકા અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને જળ સંચય થાય તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ ૮૪ ટકા કામો પૂર્ણ થયા છે. જે માટે કુલ ૬૧૭.૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ વર્ષે તા. ૧૯ માર્ચ ૨૦૨૨થી જળ અભિયાનના કામોનો શુભારંભ કરાયો હતો જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ રૂ. ૬૧,૭૪૪ લાખના ખર્ચે કુલ ૧૮,૭૯૦ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી કુલ ૧૪,૨૧૭ કામો પ્રગતિ હેઠળ છે અને ૧,૮૦૯ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

રાજ્યના નાગરિકો માટે જનસુખાકારીના કામો વધુ વેગવાન બને એ માટે ફાઇલો જે સંબંધિત વિભાગને મંજૂરી માટે જતી હોય છે તે ફાઇલોને અગ્રિમતા આપી તુરંત નિકાલ કરવા પણ મુખ્યમંત્રી દ્વારા સૂચનાઓ અપાઇ છે. પીવાના પાણી સંદર્ભે પણ રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે.

English summary
topics that discussed in the cabinet meeting chaired by CM Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X