બે યુવકના મોત, ચારની હાલત ગંભીર, લઠ્ઠાકાંડની આશંકા
ગુજરાતમાં લઠ્ઠાકાંડ: ગાંધીનગર ગિફ્ટ સિટીથી અંદાજે 32 કિલોમીટર દુર આવેલા દહેગામના લિહાડા ગામમાં સોમવારના રોજ બે યુવકોના મોત થયા હતા, આ સાથે 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોમાં એક લિહોડા ગામનો અને એક પનાના મુવાડા ગામનો છે. યુવકનું મોત ઝેરી દારૂ પીવાથી થયું હોવાની આશંકા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, અને વિગતવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ગાંધીનગર જિલ્લાના બંને ગામો ગિફ્ટ સિટીથી 32 કિલોમીટર દૂર છે, જ્યાં બે લોકોના મોત થયા હતા. પોલીસને મૃતક યુવક વિક્રમ પાસેથી દારૂની બોટલ મળી આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકાથી પોલીસે 5 ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સ તૈનાત કરી છે.

રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષક લિહોડા ગામમાં પહોંચી ગયા છે. સિવિલ હોસ્પિટલના ડૉક્ટર શશિ મુન્દ્રાએ જણાવ્યું કે, અમારી પાસે લાવવામાં આવેલા બે દર્દીઓના મોત થયા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટમાં ઇથિલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી, તેથી તેને લઠ્ઠાકાંડની ઘટના કહેવામાં આવશે નહીં. આ ઘટનામાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.
પનાણાના મુવાડા ગામના સરપંચ માનસંગભાઈએ જણાવ્યું કે, ગામમાં મોટાભાગે દેશી દારૂ બહારથી આવે છે. પડિયા, ચોપા, કાલીપુરા વિસ્તારમાં દારૂનું વેચાણ થાય છે. સાપાના કાલીપુરામાંથી દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાની માહિતી મળી છે.
સરકાર ગંભીર પગલાં લઈ રહી છે - હર્ષ સંઘવી : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં કોઈ ઝેરી દારૂની ઘટના ન હોવાનું જાણવા મળે છે. સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે.
આક્રમક બન્યા વિપક્ષના નેતા - કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પણ પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના રાજ્ય સહ પ્રભારી ગોપાલ ભાઈ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ફરી એકવાર દારૂનું કૌભાંડ થયું છે. ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે, તે દુઃખ અને શરમની વાત છે.












Click it and Unblock the Notifications
