
રાજસ્થાનમાં યુવકની હત્યાને વખોડતો પૂતળા દહનના કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો
રાજસ્થાનના ઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. ત્યારે, પાટનગર ગાંધીનગરમાં પણ બજરંગદળ અને વિશ્વ હિંદું પરિષદ દ્વારા બુધવારે બપોરે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી ચક્કાજામ પણ કર્યો હતો.
રાજસ્થાનના ઉદયપુરમા ધોળે દાડે હિન્દુ યુવક કન્હૈયાલાલની દુકાનમા ઘુસીને નિર્મમ હત્યા કરવામા આવી છે. ઉદયપુરમા હત્યા પછી ઈસ્લામીક જેહાદી હત્યારા દ્વારા ધમકી ભર્યા વીડીયો જાહેર કરવો એ દેશ માટે ચુનોતી હોવાનું બજરંગ દળ ના પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ જણાવતા ઉમેર્યું હતું કે, આ અપરાધને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યારેય પણ બર્દાસ્ત નહિ કરે.
આ જધન્ય ઘટના અને બર્બર ઈસ્લામીક જેહાદ અને આતંકવાદના વિરોધ માટે દેશભરમા જીલ્લા કેન્દ્રો પર બજરંગ દળ દ્વારા પુતળાદહનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગાંધીનગરમાં ઇસ્લામિક આતંકવાદનાં પુતળાદહન અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેકટર -૭ પોલીસ દ્વારા પૂતળું જપ્ત કરી લેવાયા બાદ બજરંગ દળના કાર્યકરોએ રોષ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો હતો. જેના કારણે બાદમાં પોલીસ પ્રશાસન દ્વારા પુતળા દહહન કરવાનો કાર્યક્રમ કરવા દેવામાં આવ્યો હતો. જેથી, બજરંગ દળના યુવાનો દ્વારા રસ્તો બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવીને ઘ - માર્ગને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.