હિંમતનગરમાં મ્યૂઝિક બેન્ડ એસોસિએશનનો અનોખો વિરોધ
કોરોનાને લઈને સતત બેરોજગારી વધી રહી છે. ધંધા સાથે જોડાયેલા લોકોને હવે પોતાનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. કોરોના ગાઈડલાઈનને લઈને રાજ્યમાં લગ્નમાં લિમિટેડ લોકોને જ પરવાનગી છે ત્યારે લગ્ન આધારિત ધંધા સાથે જોડાયેલા લોકો છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર બેઠા છે.

કોરોનાગાઈડ લાઈનને કારણે લગ્નની સીઝન ન ખુલતા રાજ્યભરના મ્યુઝિક બેંડ સાથે જોડાયેલા ધંધાર્થીઓને રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આજે હિંમનગર ખાતે અનોખો વિરોધ કરાયો હતો. મ્યુઝીક બેન્ડ એસોસિએશનના સભ્યો સાજે પોતાના બેન્ડ અને ડ્રેસ કોડ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વાજતે ગાજતે અને ડ્રેસ કોડ સાથે જ હિંમતનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
આ મુદ્દે વાત કરતા સભ્યોએ જણાવ્યુ હતુ કે, અમે કલેક્ટરને રજુઆત કરી છે. કલેક્ટરે અમને યોગ્ય નિર્ણય કરવા કહ્યુ છે. પાંચેક દિવસોમાં જો અમારી માંગણી ધ્યાને નહી લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. ઉલ્લેખનિય છે કે સાબરકાંઠા જિલ્લામાં એક લાખ લોકો મ્યુઝિક બેન્ડ આધારીત ધંધાઓ દ્વારા રોજગારી મેળવે છે.