
5 જૂલાઇથી વડોદરા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે!
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં આગામી તા.૫ જુલાઈ થી તા.૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, તેની તૈયારીઓને લઇને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં 'વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે.
વડોદરા જિલ્લામાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં બે રથ તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના બે ગામોમાં પરિભ્રમણ કરશે. જે અંગેનો રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો અને જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમાં આ રથ પરિભ્રમણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડોદરાના પોર ગામથી આ યાત્રાનો પ્રારંભ થશે. જે વડોદરા, પાદરા અને કરજણ તાલુકાના ગામડાઓને આવરી લેશે. જ્યારે તે જ દિવસે જિલ્લાના ડેસર ખાતેથી યાત્રાનો પ્રારંભ થશે જે ડેસર સહિત સાવલી, વાઘોડીયા, ડભોઈ અને શિનોર તાલુકાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે. વંદે ગુજરાત યાત્રાનું ગામડાઓમાં ઠેર ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા સાથે રાત્રિ રોકાણના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ યાત્રામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે.
આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લામાં યાત્રાના સફળ સંચાલન માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે.યાત્રા દરમ્યાન ગામડાઓમાં સફાઈ અભિયાન સહિત પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ હાજર રહેશે.