VCE ને હવે યુનિટ દીઠ 20 રૂપિયા અપાશે, સરકારે જાહેરાત કરી
ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન આધારિત સેવાઓ આપતા VCE યુવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનાસભર નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને સોંપવામાં આવતી કામગીરી માટે હવેથી યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂપિયા 20નું મહેનતાણું ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે, જેનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોની જેમ જ ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ ઈ-સેવાઓ પૂરી પાડવાનો છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા VCE ને ડેટા એન્ટ્રી અને અન્ય યોજના સંબંધિત કામગીરી સોંપાય છે. અગાઉ આ દરેક કામગીરી માટેનું કમિશન સંબંધિત વિભાગો દ્વારા નક્કી થતું હતું, જેના કારણે મહેનતાણાની રકમમાં સમાનતા જળવાતી નહોતી અને ઘણીવાર યુવાનોને ઓછું મહેનતાણું મળતું હતું.
હવે પંચાયત વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ, હવેથી VCE ને રાજ્ય સરકારની કોઈપણ કામગીરી માટે યુનિટ દીઠ ન્યૂનતમ 20 રૂપિયાનું મહેનતાણું આપવું ફરજિયાત રહેશે.
વધુમાં પરિપત્રમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંબંધિત વિભાગોએ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE) ને કોઈપણ નવી કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને અગાઉથી જાણ કરવી પડશે.
આ નિર્ણયથી ગુજરાત VCE યુવાનોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.












Click it and Unblock the Notifications
