વેરાવળની ફેક્ટરીમાં ગેસ ગળતર, 13 લોકોની હાલત ગંભીર
ગીર સોમનાથના વેરાવળમાં આવેલા ફીશ ફેક્ટરીમાં શુક્રવારે અચાનક ગેસ ગળતરની ઘટના બનતા 35થી વધુ કર્મચારીઓને ગંભીર હાલતમાં વેરાવળ સરકારી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 13 કર્મચારીની હાલત અતિગંભીર અને નાજુક જણાવાઈ રહી છે. ઉલ્લલેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે અને મોટા ભાગના સ્થાનિકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ત્યારે વેરાવળ જીઆઇડીસીમાં આવેલી મત્સ્ય ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા ફેક્ટરી માલિકો, તેમજ સંલગ્ન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર આમાંથી મોટા ભાગના કર્મચારીઓ ફેક્ટરીમાં ઘણા સમયથી કામ કરે છે. જોકે ફેક્ટરીમાં ક્યો ગેસ લીકેજ થયો છે તે હજી જાણી શકાયું નથી. જે કર્મચારીઓની હાલત સામાન્ય છે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે હાલ આ ઘટના કેમ બની તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જેથી કરીને આવનારા સમયમાં આવી ઘટનાઓને થતી અટકાવી શકાય. વધુમાં ફેક્ટરીમાં ગેસ ગળતર થયું છે તે જાણીને કર્મચારીઓના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવ બાદ વેરાવળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફેક્ટરી તેમજ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ બનાવ અંગે એફએસએલની મદદ લેવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.