• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસની શું સ્થિતિ છે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પાર્ટીમાં ચૂંટણીને લગતી વ્યૂહરચના માટે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે.

ગત શુક્રવારે રાજ્યના કૉંગ્રેસના મુખ્ય નેતાઓની એક બેઠક નવી દિલ્હી ખાતે મળી હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠનસ્તરે ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ બેઠકમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી, અમીબહેન યાજ્ઞિક, નરેશ રાવલ સહિતના નેતાઓ સામેલ થયા હતા.

જોકે હાર્દિક પટેલ દિલ્હી ખાતેની બેઠકના અમુક કલાકમાં જ ઍરપૉર્ટ જવા નીકળી ગયા હતા, જેના કારણે અટકળો શરૂ થઈ હતી.

હાર્દિક પટેલ અગાઉ 'કોઈ પદની લાલચ ન હોવાનું' પણ જણાવી ચૂક્યા છે, એવામાં રાજ્યમાં પાર્ટીનું સુકાન કોને મળશે એની પણ ચર્ચા થઈ રહી છે.

ભાજપે નવા મુખ્ય મંત્રી નીમ્યા બાદ રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે અને એવામાં કૉંગ્રેસે પણ બેઠકોનો દોર શરૂ કર્યો છે.

જોકે સૌથી વધુ ચર્ચા નવા પ્રદેશાધ્યક્ષ કોણ બનશે, એની થઈ રહી છે. કહેવાય છે કે દિવાળી આસપાસ પાર્ટીમાં નવા ફેરફાર પણ થઈ શકે છે.


હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસની સ્થિતિ કેવી છે?

હાર્દિક પટેલ હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસના કારોબારી અધ્યક્ષ છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો કનૈયાકુમાર પણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.

જોકે રાજકીય નિષ્ણાતો માને છે કે કૉંગ્રેસમાં વર્તમાન સમયમાં ગુજરાતમાં જોઈએ એવું મજબૂત સંગઠન નથી. એણે નવેસરથી પ્રારંભ કરવાની જરૂર છે.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય માને છે કે "કૉંગ્રેસ વિરોધ પક્ષ તરીકે સાવ નિષ્ફળ ગઈ છે. કૉંગ્રેસમાં જે લોકો વર્ષો પહેલાં ચૂંટાતા હતા એ બધા પોતાની વ્યક્તિગત તાકાત પર ચૂંટાતા હતા. કૉંગ્રેસના નામે કે કોઈ એક નેતાના નામે લોકો મત આપે એવી સ્થિતિ નથી."

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "જૂના જોગીઓ બધા નિષ્ફળ ગયા છે. તેઓ કૉંગ્રેસને મજબૂત કરી શક્યા નથી કે નથી સત્તા અપાવી શક્યા. ભવિષ્યમાં કૉંગ્રેસને તૈયાર કરવી હોય તો કૉંગ્રેસે નવી નેતાગીરીને તક આપવી પડે."

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર અમિત ધોળકિયા પણ કહે છે કે "કૉંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે, જો એ વ્યવસ્થિત રીતે પુનર્રચના નહીં કરે તો 2022માં નહીં તો 2027માં ગુજરાતમાં ત્રીજા નંબરની પાર્ટી બની શકે છે અને આમ આદમી પાર્ટી વિરોધપક્ષની ભૂમિકામાં આવી શકે છે."


કૉંગ્રેસની મુશ્કેલી શું છે?

છેલ્લી યોજાયેલી મહાનગરપાલિકા અને સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજકીય નિષ્ણાતોએ એ માટે પક્ષમાં રહેલી આંતરિક ખામી અને અસંગઠિત વ્યૂહરચનાને કારણભૂત ગણાવી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસે 182 સીટોમાંથી 77 સીટો મેળવી હતી અને ભાજપને 99 સીટો મળી હતી.

જોકે ત્યાર પછીની પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું અને કેટલાક ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા.

અમિત ધોળકિયા એ ચૂંટણીને યાદ કરતા કહે છે, "2017માં કૉંગ્રેસને લોકોએ સ્વીકારી હતી અને સારી સીટો પણ મળી હતી. પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેણે કોઈ અસરકારક ભૂમિકા ભજવી નથી. પોતાના સભ્યો પણ સાચવી શકી નથી. એની પરંપરાગત વોટબૅન્કનું પણ ધોવાણ થયું છે."


'કૉંગ્રેસે જ્ઞાતિગત સમીકરણો જોડવા પડશે'

કોઈ પણ રાજ્ય કે દેશમાં સત્તામાં આવવા માટે રાજકીય પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે.

ગુજરાતમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપે પણ તેના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીઓ બનાવ્યા છે.

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ માને છે કે કૉંગ્રેસ જ્ઞાતિગત સમીકરણને બૅલેન્સ કરવાની કોશિશમાં છે અને એ કરવું પડે. ભારતીય જનતા પાર્ટી સામે જીતવાની વ્યૂહરચનાના ભાગરૂપે કૉંગ્રેસે બૅલેન્સિંગ (જ્ઞાતિગત સમીકરણ) રાખવું પડે.

રાજકીય વિશ્લેષકો કહેતા આવ્યા છે કે ઓબીસી, આદિવાસી, દલિતો વગેરે કૉંગ્રેસની પરંપરાગત વોટબૅન્ક હતી, પણ હવે તેઓ ભાજપને વધુ સમર્થન આપતા હોય એવું ચૂંટણીનાં પરિણામો પરથી ફલિત થાય છે.

હરિ દેસાઈ માને છે કે "ગુજરાતમાં કૉંગ્રેસની વોટબૅન્ક નથી એવું નથી, ગુજરાતમાં કૉંગ્રેસની વોટબૅન્ક છે જ."

કૉંગ્રેસ માટે સાવ નકારાત્મક પરિસ્થિતિ તો નથી જ, એમ હરિ દેસાઈ કહે છે.


કૉંગ્રેસે શું કરવાની જરૂર છે?

ગુજરાતમાં સામાન્ય રીતે ચૂંટણીનો ઇતિહાસ જોઈએ તો ત્રીજો પક્ષ ફાવતો નથી અને ભાજપ-કૉંગ્રેસ પાસે સત્તાનું સુકાન રહ્યું છે.

જોકે આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઍન્ટ્રી મારી છે અને તેને એક 'નવા વિકલ્પરૂપ' જોવામાં આવે છે.

અમિત ધોળકિયા કહે છે કે આમ આદમી પાર્ટીની સક્રિયતાથી કૉંગ્રેસની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે, ગાંધીનગરની ચૂંટણીમાં આપણે એ જોયું છે. 'આપ' ભાજપની નહીં પણ કૉંગ્રેસની વોટબૅન્ક તોડશે.

ધોળકિયા કહે છે, "કૉંગ્રેસ ગુજરાતમાં અતિશય અસંગઠિત પક્ષ છે. ભાજપમાંથી ઉપરથી કોઈ આદેશ આવે તો એને ઘરઘર સુધી લઈ જવામાં આવે છે, કૉંગ્રેસમાં એવું જોવા મળતું નથી."

"કૉંગ્રેસ પાસે હાલમાં એવા કોઈ નેતા નથી, જે કૉંગ્રેસમાં સર્વસ્વીકૃત હોય અને પ્રજામાં પણ સ્વીકાર્ય હોય."

"આથી કોઈ એક શક્તિશાળી નેતાને ચૂંટવો હોય તો એને પૂરી સત્તા આપવી જોઈએ, તો આજે નહીં તો પાંચ વર્ષમાં લોકોનાં મનમાં એ નેતાની સ્વીકૃતિ હોય."

તો રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી કહે છે કે, "પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામાં આપ્યાં હતાં એ વાતને બે વર્ષ થઈ ગયાં, હવે કોઈની નિમણૂક કરવી જોઈએ. આ જ દર્શાવે છે કે કૉંગ્રેસમાં સંપ નથી, કૉંગ્રેસ માટે આ સ્થિતિ શરમજનક છે."


તાજેતરની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું પ્રદર્શન અને ઇતિહાસ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી હતી.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકમાંથી 41 પર ભાજપની જીત થઈ, જ્યારે બે બેઠક પર કૉંગ્રેસ અને એક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો હતો.

ગાંધીનગર પાલિકાનો વિસ્તાર સામાન્ય રીતે કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પણ અહીં ભાજપે કૉંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લીધી હતી.

વર્ષ 1960માં ગુજરાતની સ્થાપનાથી વર્ષ 1975માં યોજાયેલી પાંચમી વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતમાં કૉંગ્રેસની સરકારો રહી છે.

1975માં જનતા મોરચાની સરકાર બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતમાં પહેલી બિનકૉંગ્રેસી સરકાર બની.

ત્યારબાદ 1977થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલ ફરીથી રાજ્યની બિનકૉંગ્રેસી સરકારના મુખ્ય મંત્રી બન્યા હતા.

એ સિવાય ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ 1990થી 1994માં તેમના મૃત્યુપર્યંત જનતાદળની સરકાર રહી.

આ લગભગ આઠ વર્ષો સિવાય 1994 સુધી ગુજરાતમાં કૉંગ્રેસનું જ શાસન રહ્યું. જોકે, 1995માં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપને તક મળી અને પાટીદાર નેતા કેશુભાઈ પટેલ ગુજરાતના દસમા મુખ્ય મંત્રી બન્યા.

એ બાદ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં થયેલા 'હજુરિયા-ખજુરિયાકાંડ'થી ભાજપને 18 મહિના સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું. પરંતુ ત્યારબાદ 1995થી આજ સુધી ગુજરાતની વિધાનસભા પર ભાજપે પોતાની પકડ જમાવી રાખી છે.

આજની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં કૉંગ્રેસ સત્તા માટે લડાઈ લડી રહી છે અને રાજકીય નિષ્ણાતોનું માનીએ તો હાલમાં ગુજરાતમાં કૉંગ્રેસનું કંઈ અસ્તિત્વ નથી.https://www.youtube.com/watch?v=hP0tDkGZgkU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is the position of Gujarat Congress before Gujarat Assembly elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X