• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં નાની ગૌશાળા ચલાવી 'ગૌસેવા' કરનારાઓને સરકાર મદદ કેમ નથી કરતી?

By BBC News ગુજરાતી
|

સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા નટુભાઈ પરમાર આજકાલ પોતાની 13 ગાયોના ચારા માટે અલગઅલગ લોકો પાસેથી ઉઘરાણું કરી રહ્યા છે. તેમણે પોતાની તમામ બચત સાત મહિના પહેલાં શરૂ કરેલી તેમની ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમની 13 ગાયોને પોસવા માટે ખર્ચી નાખી છે.

હાલમાં તેઓ આ ગાયોના ઘાસચારા માટે દાન લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે, પરંતુ ઘણા લોકો તેમને સરકાર પાસેથી મદદ માગવાની વાત કરી રહ્યા છે, અને કેમ ન કરે! હાલમાં જ ગુજરાત સરકારે ગૌસેવા માટે આવનારા ત્રણ મહિનામાં 100 કરોડની માતબર રકમ વાપરવાની જાહેરાત કરી છે.

એક તરફ જ્યારે આવી જાહેરાત થઈ હોય તો બીજી બાજુ નટુભાઈ પરમાર જેવા ગૌશાળાના સંચાલકોને આવી તકલીફ કેમ પડી રહી છે.

ગુજરાત ગૌસેવા આયોગના ભૂતપૂર્વ સભ્ય અને ગીર બીડર્સ ઍસોસિયેશનના પ્રમુખ બી.કે. આહીર પ્રમાણે ગુજરાતભરમાં આશરે 80 ટકા જેટલી ગૌશાળાઓ હાલમાં પણ તકલીફોનો સામનો કરી રહી છે, કારણ કે તેઓ સરકારી યોજનાઓનો કોઈ લાભ લઈ શકતી નથી.

તેઓ કહે છે કે ગૌશાળા કે પાંજરાપોળ જો તે જ ટ્રસ્ટના માલિકીની જમીન પર હોય તો જ તેઓ સરકારી યોજનાનો લાભ લઈ શકે છે.


કોને લાભ મળી શકે છે?

સરકારી ઠરાવ પ્રમાણે ગૌશાળા પાસે સરકારી યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 50 દેશી પેદાશની ગાયો હોવી જરૂરી છે. માટે નટુભાઈ જેવા નાના ગૌશાળાના સંચાલકો આવી કોઈ પણ મદદથી વંચિત રહી જાય છે.

આહીરનું માનવું છે કે ગુજરાતભરમાં એવી અનેક ગૌશાળાઓ છે કે જે ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થઈ હોય પરંતુ તે ટ્રસ્ટના નામે કોઈ જમીન ન હોય, માટે તેવી તમામ ગૌશાળાઓ સરકારી લાભોથી વંચિત રહી જાય છે.

તેમણે એ પણ કહ્યું કે ગામડાંઓમાં યુવાનો દ્વારા ચલાવાતી નાની-નાની અનેક ગૌશાળાઓ હોય છે, જે રજિસ્ટર પણ હોતી નથી, પરંતુ તેમની પાસે અનેક ગાયો હોય છે, તે નાની-ગૌશાળાઓને ક્યારેય સરકાર તરફથી મદદ મળતી નથી.

80 ગીર ગાયોના માલિક અને હળવદમાં મોટી ગૌશાળા ધરાવતા આહીર વધુમાં કહે છે, "હાલમાં તો આ સરકારી યોજનાઓનો સૌથી વધુ ફાયદો મોટી અને મહાજનો દ્વારા સંચાલિત વર્ષોથી ચાલતી એવી ગૌશાળાઓને જ થાય છે. "

નટુભાઈ પરમારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "એક તરફ જ્યારે સરકાર 100 કરોડ જેવી માતબર રકમ માત્ર ત્રણ મહિનામાં પશુધનના સંવર્ધન માટે ઉપયોગ કરતી હોય ત્યારે બીજી બાજુ આવી રીતે એક કે બીજા સરકારી ઠરાવને કારણે અમારા જેવી સંસ્થાઓને બાકાત રખાય છે, અને વર્ષો જૂની સંસ્થાઓ, મંદિરો વગેરેને જ તેનો સીધો ફાયદો થાય છે."


નાની ગૌશાળા ચલાવનારા કેમ અસફળ?

બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અનેક ઠરાવોને જોયા અને જાણવા મળ્યું કે જો કોઈ સંસ્થા રજિસ્ટર ન હોય તો તેને કોઈ સરકારી સહાય ન મળી શકે. જોકે બીજી બાજુ બીબીસી ગુજરાતીએ એવી ઘણી ગૌશાળાના સંચાલકો સાથે વાત કરી કે જેઓ નાની-નાની ગૌશાળાઓ ચલાવતા હોય, રજિસ્ટર્ડ પણ હોય, પરંતુ તેમને કોઈ મદદ ન મળતી હોય.

આ વિશે બીબીસી ગુજરાતીએ નટુભાઈ પરમારની ગૌશાળા વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. એક દલિત આગેવાન એવા નટુભાઈ પ્લાસ્ટિક ખાઈને બીમાર થઈ જતી ગાયોને સાચવવા માટે છેલ્લા એક વર્ષથી ગૌતમ બુદ્ધ ગૌશાળા આશ્રમ ચલાવે છે. તેમની પાસે હાલમાં 13 ગાયો છે, અને તેમાંથી એક પણ ગાય દૂધ આપતી નથી.

લૉકડાઉન પછી તેમણે સરકારી કચેરીઓમાં અને ગૌસેવા આયોગમાં અનેક વખત મુલાકાત લીધી છે અને તેમને ગૌશાળા માટે શેડ, બાઉન્ડરી વગેરે બનાવવાની વાત કરી છે.

જોકે તેમને હજી સુધી કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. "મને કહેવામાં આવ્યું છે કે મારી પાસે મારા ટ્રસ્ટની માલિકીની જમીન હોય તો જ મને સરકારી સહાય મળી શકે. જોકે સરકારી નિયમ પ્રમાણે એક ટ્રસ્ટ તરીકે હું કોઈ જંગલ મિલકત ખરીદીને મારા ટ્રસ્ટના નામે ન કરી શકું, માટે ગૌસંવર્ધન માટેની કોઈ પણ સરકારી યોજના મારા માટે નથી."

નટુભાઈની ગૌશાળા બે એકર જમીન પર છે. સરકારી ઠરાવ પ્રમાણે સહાય લેવા માટે તેમની પાસે ત્રણ એકર જમીન, પોતાની માલિકીની હોવી જરૂરી છે.

તેઓ કહે છે કે તેમના જેવા ત્રણ એકરની નીચેની, ભાડા પટ્ટાની જમીનો પર રજિસ્ટર્ડ સંસ્થા મારફતે ગૌશાળા ચલાવનારા અનેક લોકો છે અને એ તમામ હાલમાં પોતાની ગાયોનું સંવર્ધન કરવામાં અસફળ રહ્યા છે.

તેમની જેમ સરેન્દ્રનગરના કુસુલીયા ગામના નાગરભાઈ છબાલિયા 40 ગાયનું સંવર્ધન એ પોતે એકલા હાથે જ કરી રહ્યાં છે. આવી જ રીતે પાટડી ખાતે દલિત સમાજના કબીરપંથી મંદિરમાં એક ગૌશાળા ચલાવતા રણછોડદાસ બાપુનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષથી તેઓ ગૌશાળા ચલાવી રહ્યા છે, પરંતુ તેમને હજી સુધી કોઈ સરકારી સહાય મળી નથી.


શું કહે છે સરકાર?

આ વિશે જ્યારે ગૌસંવર્ધનમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "જો કોઈ રજિસ્ટર્ટ સંસ્થાના ગૌશાળા સંચાલકો અમારી પાસે આવીને આવી કોઈ પણ રજૂઆત કરશે તો અમે તેમની વાત સાંભળીને યોગય નિર્ણય લઈશું. "

ગુજરાત સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ પ્રમાણે હાલ 2,12,912 ગાયો ગૌશાળામાં છે અને 1,60,484 ગાયો પાંજરાપોળોમાં છે.

સરકારી આંકડા પ્રમાણે સૌથી વધુ ગૌશાળાઓ 59 જેટલી જૂનાગઢમાં છે. હાલમાં રાજ્યમાં કુલ 814 રજિસ્ટર્ટ ગૌશાળાઓ અને પાજરાપોળો છે.

ગુજરાત સરકાર વિવિધ યોજના થકી રજિસ્ટર્ડ ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ, પશુપાલન માટે સબસિડી વગેરે જેવી મદદ કરે છે. જોકે આ તમામ મદદ લેવા માટે દરેક સંસ્થા પાસે પોતાની માલિકીની જમીન હોવી જરૂરી છે. આ પ્રકારની જમીનો મોટાં મંદિરો, વર્ષો જૂની સંસ્થાઓ અને ખૂબ જ મોટા પાયે ચાલતી ગૌશાળાઓ કે પાંજરાપોળો પાસે જ હોય છે.

પણ શું નાની સંસ્થાઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે?

કચ્છ જિલ્લામાં ગુજરાતની સૌથી વધુ નાની ગૌશાળાઓ તેમજ પાંજરાપોળો આવેલાં છે.

અહીંની એક સંસ્થા અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સૌંદરવા છેલ્લા ઘણા સમયથી સરકાર સાથે વાતચીત કરીને નાની ગૌશાળાઓ અને પાંજરાપોળોને સરકારી સહાય મળે તે માટે કામ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, "ગુજરાતભરમાં નાની-નાની ગૌશાળાઓ, જે ક્યારેય રજિસ્ટર નથી થતી તેવી ગૌશાળાઓ, તેમજ વિવિધ યુવાનો દ્વારા ગામડાના પાદરે ચાલતી ગૌશાળાઓને કારણે જ પશુધનનું સંવર્ધન થઈ રહ્યું છે, પરંતુ આ પ્રકારની નાની સંસ્થાઓને સૌથી વધુ તકલીફો પડી રહી છે. "

તેમણે કહ્યું કે રાજ્યમાં ગૌસેવાનું કામ હવે ધીરેધીરે માત્ર લોકોને બતાવવા પૂરતું જ થઈ ગયું છે.


શું આ ગાયની રાજનીતિનું ટૉકનિઝમ છે?

જોકે આ તમામ મુદ્દાઓ પર અમે જ્યારે સોશિયલ સાયન્ટિસ્ટ ઘનશ્યામ શાહ સાથે વાત કરી તો તેમણે કહ્યું, "100 કરોડની વાત કરીને રાજ્ય સરકારે અમુક લોકોને ખુશ કરી દીધા અને ગાયને બચાવવા માટે તે ખૂબ જ ચિતિંત છે, તેવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. "

ગાયના મુદ્દાને જીવિત રાખી સરકાર પોતાની રાજનીતિ કરતી આવી છે અને કરતી રહેશે એવું શાહનું માનવું છે.

આવી જ રીતે મનીષી જાનીએ કહ્યું, "ખરેખર તો દલિત, વંચિત, નાના ખેડૂતો વગેરે જેવા લોકોને કોરોનાના સમયમાં પોતાના પશુધનને પાળવા માટેની જરૂરિયાત છે અને સરકાર આવા નાના લોકોની જગ્યાએ મોટી સંસ્થાઓને આર્થિક મદદ કરીને માત્ર ગાયના સંવર્ધનનું ટૉકનિઝમ કરી રહી છે."https://www.youtube.com/watch?v=9KI8S_J1NfQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why doesn't the government help those who run small cowsheds in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X