• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કચ્છમાં મોર માટે પવનચક્કી 'મોતનું કારણ' કેમ બની રહી છે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

"વન્યજીવનના રક્ષણ માટે મને કચ્છ સૌથી સુરક્ષિત લાગતું હતું, પણ હવે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે. દૈત્યાકાર પવનચક્કીનાં ટર્બાઇનમાં અથડાવાથી કે તેના વીજવાયરનો કરંટ લાગવાથી મોર અને બીજાં પક્ષીઓનાં મૃત્યુના કિસ્સા દરરોજ નોંધાય છે."

"કચ્છ અત્યારે હજારો પવનચક્કીઓથી ઘેરાઈ ગયું છે, જેમાં પર્યાવરણને લગતા નિયમોનો ભંગ થતો હોવાથી અમારે કાયમી નુકસાન વેઠવું પડશે."

કચ્છના નખત્રાણા તાલુકાના મોરઝર ગામના યુવાન મેહુલદાન સુરતાણિયા આ શબ્દોમાં પીડા વ્યક્ત કરે છે.

આવી જ પીડા ઘણા પર્યાવરણપ્રેમીઓ અને પક્ષીવિદોની પણ છે. એક સમયે કચ્છના રણપ્રદેશ અને સમુદ્રકિનારા સુધી સીમિત પવનચક્કીઓ હવે ધીમે-ધીમે જિલ્લાના દરેક ગામની સીમા સુધી પહોંચી ગઈ છે.

સરકારી જમીનની સાથે ખાનગી જમીનો પર પણ તોતિંગ પવનચક્કીઓ સ્થપાઈ રહી છે, જેના હાઈટૅન્શન કૅબલની જાળ અહીંનો વિકાસ દર્શાવવાની સાથે પર્યાવરણીય જોખમ પણ પેદા કરે છે.

પવનચક્કીઓની સંખ્યા જેમ વધતી જાય છે, તેમ રાષ્ટ્રીય પ્રાણી મોર અને ઢેલનાં મૃત્યુમાં વધારો થયો છે. સત્તાવાર આંકડા પ્રમાણે એક વર્ષમાં લગભગ 18 મોર વીજલાઇનને કારણે માર્યા ગયા છે.

પવનચક્કીના વાયર, થાંભલા સાથે અથડાવાથી અને કરંટ લાગવાથી પક્ષીઓ મરી રહ્યાં છે અને છેલ્લાં ચારેક વર્ષથી કચ્છમાં મોરનાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં નખત્રાણાના મોરઝર ગામે 'મોર બચાવો અભિયાન'ની શરૂઆત કરવામાં આવી હતી.

આ ગામની આસપાસ એક સમયે મોટી સંખ્યામાં મોર વસવાટ કરતા હતા અને તેના કારણે ગામનું નામ મોરઝર પાડવામાં આવ્યું હોવાનું ગામવાસીઓ કહે છે.

2001ના ભૂકંપ વખતે ખેદાનમેદાન થઈ ગયેલા કચ્છને બેઠું કરવા ગુજરાતના આ જિલ્લામાં મોટા પાયે ઔદ્યોગિકીકરણ શરૂ થયું. જેનો ફાયદો પણ દેખાયો અને હવે તેના પર્યાવરણીય ગેરફાયદા જોવા મળી રહ્યા છે.

જીવંત વીજલાઇનોના કારણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ગીધ અને ઘુવડ પણ મૃત્યુ પામે છે.

કચ્છમાં છેલ્લે 2015માં મોરની સંખ્યાની ગણતરી થઈ હતી. જે મુજબ કચ્છમાં 11,500 જેટલા મોર હતા. એકલા નખત્રાણા વિસ્તારમાં 1,200થી 1,300 મોર હોવાની ધારણા છે.

માનદ્ વાઇલ્ડલાઇફ વૉર્ડન અખિલેશ અંતાણીએ જણાવ્યું કે "વિન્ડમિલ (પવનચક્કી) કંપની સાથે સરકારનો કરાર થાય ત્યારે તેમાં ઘણી શરતો હોય છે, જેમ કે વીજવાયરનું ઇન્સ્યુલેશન કરવું, બર્ડગાર્ડ મૂકવા જેથી પક્ષી તેનાથી ટકરાય નહીં."

"બર્ડગાર્ડ એ એક અરીસા જેવું સાધન છે, જેને પવનચક્કીના થાંભલા પર મૂકવામાં આવે છે. તેનાથી પ્રકાશનું પરાવર્તન થાય છે અને પક્ષી તેનાથી દૂર રહે છે. ઘણી જગ્યાએ આ નિયમનું પાલન થતું નથી."

https://www.youtube.com/watch?v=PGeCMc1F2zA

નખત્રાણા તાલુકામાં રોહા સુમરી વિસ્તારમાં મોર અને ઢેલનાં મૃત્યુ સામાન્ય થઈ ગયાં છે. રોહાની આસપાસના ડુંગરાળ વિસ્તારમાં દેશી ખેર, બાવળ અને ગૂગળનાં વૃક્ષ છે અને રોહા ફોર્ટ અને સુમરીના ડુંગર પર લગભગ 150 જેટલા મોર વસવાટ કરે છે.

અખબારી અહેવાલ પ્રમાણે વીજલાઇન પર મોરના મૃતદેહ ચોંટી ગયા, ત્યારે વનવિભાગને તેને ઉતારવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. પ્રાંત અધિકારીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી.

'મોર બચાવો અભિયાન'માં જોડાયેલા ઍડ્વોકેટ અને નેચર ઍન્ડ ઍડ્વૅન્ચર ક્લબના વાઇસ પ્રૅસિડન્ટ ઉર્મીશ સચદેએ કલેક્ટરથી લઈને સાંસદ સુધી પત્રો લખ્યા છે.

તેમણે હવે વધારે પવનચક્કીઓને મંજૂરી ન આપવા અને અત્યારે જે નિર્માણ ચાલુ છે તેને અટકાવવા માગણી કરી છે.

તેઓ કહે છે કે નખત્રાણાનો પાલારધુના એ ઇકૉલૉજિકલી સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સારા વરસાદ દરમિયાન નૈસર્ગિક ધોધ રચાય છે. આ વિસ્તારમાં પવનચક્કીઓનું નિર્માણ ચાલુ છે અને તેથી પક્ષીઓનાં કુદરતી રહેઠાણને નુકસાન થવાની શક્યતા છે.

કચ્છમાં નખત્રાણા, અબડાસા, માંડવી અને લખપતમાં મોરની સંખ્યા વધુ છે. નખત્રાણા તાલુકામાં દરેક ગામમાં 200થી વધારે મોર હોવાનો પક્ષીવિદોનો અંદાજ છે. આ વિસ્તારમાં કાંટાળા જંગલ વધારે છે, જે મોરને માફક આવે છે.

ઉર્મીશ સચદે કહે છે, "પવનચક્કી આવે ત્યારે લોકો ખુશ થાય છે, પરંતુ પછી વાસ્તવિકતા સમજાય છે. એરિડ ઝોન એટલે કે રણવિસ્તારમાં અથવા સમુદ્રકિનારે પવનચક્કીઓ નાખવામાં આવે તો વાંધો નથી પરંતુ ગ્રીન ઝોનમાં પવનચક્કીઓ ટાળવી જોઈએ."

પાલારધુના વિસ્તારમાંથી પવન ચક્કીઓ હઠાવવા માટે લડત આપનાર સચદે કહે છે, "છેલ્લા એક વર્ષમાં કચ્છમાં લગભગ એક ડઝન મોર માર્યા ગયા છે. મોર કે બીજા પક્ષીની સંખ્યા ઘટવી એ કચ્છની ઇકૉલૉજી માટે ખતરનાક છે. પક્ષીઓ માર્યા જશે તો પાકમાં જીવાતનું પ્રમાણ વધશે અને પાકને નુકસાન થશે."


ઘોરાડ પક્ષી પણ નામશેષ થવાને આરે

પવનચક્કીઓના કારણે મોરની સાથે-સાથે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) પણ જોખમમાં મૂકાયા છે. વાઇલ્ડ લાઇફ વોર્ડન અખિલેશ અંતાણીએ જણાવ્યું કે આ વિસ્તારમાં હવે એક પણ ઘોરાડ નથી રહ્યાં. અત્યારે માત્ર ચાર માદા ઘોરાડ છે અને તેમની વચ્ચે એક પણ નર નથી. તેથી આ પક્ષીઓનું ભાવિ અંધકારમય છે.

અખબારી અહેવાલો પ્રમાણે રાજસ્થાનથી નર ઘોરાડ લાવવાની સરકારની યોજના છે, જેથી કચ્છની માદા ઘોરાડ સાથે સંવનન થકી પ્રજાતિ આગળ વધારી શકાય.

વાઇલ્ડ લાઇફ પ્રૉટેક્શન ઍક્ટ હેઠળ ઘોરાડને પણ સંરક્ષિત જાહેર કરાયાં છે અને તેને ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરના શિડ્યુલ 1માં સ્થાન અપાયું છે.

આ દુર્લભ પક્ષીનાં કુદરતી રહેઠાણ પરથી પસાર થતી વીજલાઇનો જોખમી છે અને રિન્યુએબલ ઍનર્જી પર મુકાયેલા ભારથી આ જોખમમાં વધારો થયો છે.

પક્ષીશાસ્ત્રી નવીન બાપટે જણાવ્યું કે "અંજારથી રવાપર સુધી કાંટાળા જંગલનો વિસ્તાર છે. કચ્છના રણમાં સરસ્વતી નદી સમાઈ ગઈ છે, જેથી આ વિસ્તારમાં ભૂગર્ભજળ સારા એવા પ્રમાણમાં છે."

"ફળદ્રુપતાની રીતે સારામાં સારી ગણાય તેવી જગ્યામાં પવનચક્કી આવી રહી છે. કચ્છમાં પવનચક્કી આવવાનું કારણ સસ્તામાં મળતી જમીન છે. આવી જ વિન્ડમિલ ગુજરાતમાં અન્યત્ર નાખવામાં આવે તો કદાચ જમીનનો 20 ગણો ભાવ ચૂકવવો પડે."

તેમણે જણાવ્યું કે કચ્છમાં અત્યાર સુધીમાં પાંચ હજાર પવનચક્કીઓ સ્થપાઈ છે અને વધુ 5000 પવનચક્કીઓ આવવાની શક્યતા છે. નખત્રાણા તાલુકાના સાંગનારા ગામનાં લોકો ગ્રીન ટ્રિબ્યૂનલમાં પણ ગયા છે.


નિયમોના ભંગની ફરિયાદ

ગામ લોકોની ફરિયાદ છે કે બે પવનચક્કી વચ્ચે બે કિલોમિટરનું અંતર હોવું જોઈએ અને તેના બદલે માત્ર 1,200 મીટરનું અંતર રાખવામાં આવે છે.

પવનચક્કીના અવાજને કારણે ઘોરાડ પક્ષી અભયારણ્યમાં પણ ટકતા નથી. વિન્ડમિલની આસપાસ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવવાના અને પાણીનું વહેણ ખુલ્લા રાખવાના નિયમનો પણ ભંગ થાય છે.

લોકોનો આરોપ છે કે વીજશૉક લાગવાથી મોર કે બીજા પક્ષીનું મૃત્યુ થાય ત્યારે તેનો ઘટનાસ્થળે જ નિકાલ કરવામાં આવે છે અને મોરને કૂતરાં કે બીજાં જંગલી પશુએ ફાડી ખાય છે તેવું કારણ ધરવામાં આવે છે.

નાયબ વનસંરક્ષક (પશ્ચિમ કચ્છ) તુષાર પટેલે જણાવ્યું કે "જંગલ વિસ્તારમાં વીજલાઇન કે વિન્ડમિલના કારણે કોઈ મોર અથવા સંરક્ષિત પક્ષી મૃત્યુ પામે તો તેનો રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે."

"રેવન્યુ વિસ્તારમાં આવી ઘટના બને તો તેની ગંભીરતા અને ફ્રિક્વન્સીને જોઈને કાર્યવાહી થાય છે. તેમાં પક્ષીઓને બચાવવા માટે બર્ડ ગાર્ડ લગાવવાનું કામ કરવામાં આવે છે."

તેમણે કહ્યું કે, "રોહા વિસ્તારમાં બે લાઇન એવી છે, જ્યાં વારંવાર આવી ઘટના બનતી હતી. તેથી ત્યાં ત્રણ દિવસ સુધી માણસો ગોઠવીને પક્ષી પર નજર રાખવામાં આવી હતી, હિલચાલનું મૅપિંગ કરવામાં આવ્યું અને તેના આધારે જોખમી લાઇન વિશે કલેક્ટરને ભલામણ કરવામાં આવી હતી."

"કલેક્ટરના આદેશ પછી અહીં બે કિલોમિટરની ત્રિજયાને મોર માટે સંરક્ષિત જાહેર કરી વીજલાઇનને અંડરગ્રાઉન્ડ કરવાનો આદેશ અપાયો છે."

તુષાર પટેલે કહ્યું કે "સામાન્ય રીતે આવી ઘટનાઓ ચોમાસામાં વધારે બને છે, જે મોર માટે સંવનન (મૅટિંગ)નો ગાળો હોય છે. આ સિઝનમાં મોરની હિલચાલ વધી જાય છે."

"રોહા ફોર્ટ ઊંચાઈ પર આવેલી જગ્યા છે અને ગામ તળેટીમાં છે. દિવસ દરમિયાન મોર ફૉર્ટ પર રહે છે. સાંજે જ્યારે તે નીચે આવે ત્યારે તેની કમજોર આંખો અને મોટા કદને કારણે વીજલાઇન સાથે અથડાય છે અને મૃત્યુ પામે છે."

તેમના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસામાં નખત્રાણા, લખપત, માંડવી, અબડાસા અને ભુજ તાલુકામાં મોરનાં મૃત્યુના કિસ્સા બન્યા છે. પશ્ચિમ કચ્છ ડિવિઝનમાં હાલમાં લગભગ ત્રણ હજારથી વધારે વિન્ડમિલ છે.


ચોમાસાની મૅટિંગ સિઝનમાં ઘટનાઓ વધી

કચ્છ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ અનિતા કર્નએ જણાવ્યું, "કચ્છના નખત્રાણા અને અબડાસા તાલુકામાં મોરનાં મૃત્યુના કેસ નોંધાયા છે. ફૉરેસ્ટ ડિવિઝને આપેલી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષમાં ટ્રાન્સમિશન લાઇન સાથે ટકરાવાથી કે તેમાં વીજશૉક લાગવાથી 18 મોરનાં મૃત્યુ નોંધાયાં છે."

"આવી ઘટનાઓ રોકવા માટે વનવિભાગે કેટલાંક પગલાં સૂચવ્યાં છે જેમાં વીજલાઇન પર બર્ડ રિફ્લેક્ટર ગોઠવવાં, વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યાં પાવરલાઇનનું ઇન્સ્યુલેશન કરવું, ટ્રાન્સમિશન લાઇનને અંડરગ્રાઉન્ડ કરવી અથવા તેનો રૂટ બદલવો વગેરે સામેલ છે."

તેમણે જણાવ્યું કે આવી કાળજી લેવામાં ન આવે તો એજન્સીઓ કાનૂની પગલાં લઈ શકે છે. રોહા ફૉર્ટ વિસ્તારને બે કિલોમિટરની ત્રિજ્યામાં મોર માટે સંરક્ષિત જાહેર કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે.

આ વિશે નખત્રાણા સબ-ડિવિઝનના ડેપ્યુટી કલેક્ટર પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું, "નખત્રાણા તાલુકામાં આવેલી ટ્રાન્સમિશન લાઇન્સમાં આવી ઘટનાઓ વધારે બની છે. અહીં રોહા-સુમરીમાં રાજાશાહીના વખતનો ફૉર્ટ વિસ્તાર છે, જ્યાં 200થી 250 મોર વસવાટ કરે છે."

તેમણે વધુમાં જણાવ્યું, "આ વિસ્તારમાં દોઢેક મહિનામાં લગભગ આઠ મોર ટ્રાન્સમિશન લાઇનના કારણે માર્યા ગયા હતા. તેથી વનવિભાગ અને ગ્રામપંચાયતને સાથે રાખીને આ જગ્યાની ચકાસણી કરી હતી."

"અહીં ટ્રાન્સમિશન લાઇન મોરના લૅન્ડિંગ એરિયામાં આવતી હોવાનું જાણવા મળ્યું તેથી વીજલાઇનને અંડરગ્રાઉન્ડ કરવાનું કામ શરૂ કરાયું છે."

તેમણે કહ્યું કે "અહીં નવી પવનચક્કી ન આવે તે માટે પણ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. તે ઉપરાંત બે કિલોમિટરની ત્રિજયાના વિસ્તારને મોરસંરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયો છે. રોહા-સુમરી ઉપરાંત બીજી કેટલીક જગ્યાએ બેથી ચાર મોર પરિવારો રહે છે, તેની સુરક્ષા માટે શું કરવું તે અમે વિચારી રહ્યા છીએ."


કાયદા હેઠળ મોરને સંરક્ષણ

વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટ, 1972ના શિડ્યુલ 1 હેઠળ મોર સંરક્ષિત પક્ષી જાહેર થયું છે.

તેને પરેશાન કરવા, તેમના શિકાર કરવા અથવા તેમને બીજા કોઈ કારણથી મારવા કે તે મૃત્યુ પામે તેવા સંજોગો પેદા કરવા એ ગંભીર ગુનો છે અને તેના માટે ત્રણ વર્ષથી લઈને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે.

જોકે, અંધશ્રદ્ધાળુ લોકો તાંત્રિક વિધિમાં મોરનાં પીછાંનો ઉપયોગ કરતા હોવાથી ઘણી વખત પીછાં માટે તેને મારવામાં આવે છે. કેટલાક લોકો આર્થરાઇટિસની સારવારમાં તેની ચરબીનો પણ ઉપયોગ કરે છે.

ખેતીવિકાસ સેવાટ્રસ્ટના પ્રમુખ અને મુંદ્રા વિસ્તારમાં કથિત પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે લડત આપતાં આગેવાન નારણ ગઢવીએ જણાવ્યું કે પવનચક્કી સ્થાપવા માટે પૂરતા પ્રમાણમાં સરવે કરવામાં નથી આવ્યો.

તેઓ કહે છે કે કોઈ પણ ઉદ્યોગ સ્થપાય ત્યારે EIA કરવું જોઈએ (ઍએન્વાયરમૅન્ટ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટ). પવનચક્કીને કારણે હવા અને પાણીની ગુણવત્તા પર તથા આસપાસના સમુદાય પર કેવી અસર પડશે તે જોવું જોઈએ.

કચ્છનું ઇકૉલૉજિકલ મહત્ત્વ સમજાવતાં તેઓ કહે છે, "કચ્છ એક વિશિષ્ટ વિસ્તાર છે. અહીં રણ, ડુંગર, ખારાં અને મીઠાં પાણીના સ્રોત, ઘાસનું મેદાન, ખનીજ, સમુદ્ર બધું જ છે. તેથી અહીં પર્યાવરણની કાળજી રાખવી જોઈએ."

નારણ ગઢવી કહે છે, "તાંત્રિક વિધિ માટે મોરનાં પીછાંનો ઉપયોગ એક સમસ્યા હતી, ત્યાં હવે વિન્ડમિલને કારણે મોર મરી રહ્યા છે."


પારદર્શિતાનો સવાલ અને પ્રવાસી પક્ષીઓની ચિંતા

કચ્છમાં પવનચક્કી માટે જમીન ફાળવવા મુદ્દે પારદર્શિતાના પ્રશ્નો પણ પેદા થયા છે. 2018માં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે પવનચક્કીઓ માટે ગૌચરની જમીન ફાળવવા સામે થયેલી એક જાહેર હિતની અરજી સંદર્ભે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી.

આ અરજીમાં સરકાર સામે આરોપ મુકાયો હતો કે ખાનગી પવનચક્કીઓને જમીન ફાળવતાં પહેલાં ઍન્વાયર્નમૅન્ટલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટ (EIA) કરવામાં આવ્યું ન હતું અને તેના કારણે અહીં પશુપાલન કરતા માલધારી પરિવારોને અસર થશે.

લાઇવમિન્ટના જુલાઈ 2017ના એક અહેવાલ પ્રમાણે વિન્ડપાવર પ્રોજેક્ટને કારણે કચ્છમાં દર વર્ષે આવતા માઇગ્રેટરી (પ્રવાસી) પક્ષીઓ અને ચામાચીડિયાં માટે જોખમ પેદા થઈ શકે તેવી ચિંતા હોવા છતાં ગ્રીન પેનલે પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

કચ્છમાં 400 મેગાવોટના વિન્ડપાવર પ્રોજેક્ટ માટે 297.38 હેક્ટર વન્ય જમીનને ડાઇવર્ટ કરવાની દરખાસ્તના સંદર્ભમાં આ મંજૂરી અપાઈ હતી.

આ પ્રોજેક્ટ માટે લગભગ 1589 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો અને તેના માટે લગભગ 17,500 વૃક્ષો કાપવાનાં હતાં.


વિન્ડપાવરમાં ગુજરાતની આગેકૂચ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના 28 જુલાઈના અહેવાલ પ્રમાણે વિન્ડપાવર પ્રોજેક્ટ ડેવલપર્સને આકર્ષવામાં ગુજરાત અગ્રણી રાજ્ય છે.

2019-20માં ગુજરાતે સૌથી વધારે વિન્ડપાવર ઉત્પાદન ક્ષમતા ઉમેરી હતી.

એપ્રિલ 2019થી માર્ચ 2020 વચ્ચે ગુજરાતે વિન્ડ પાવર ઉત્પાદન ક્ષમતામાં 1,468 મેગાવોટનો ઉમેરો કર્યો હતો તેમ વિન્ડ ટર્બાઇન મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન અને ઇન્ડિયન વિન્ડ ઍનર્જી ઍસોસિયેશનનો ડેટા દર્શાવે છે.

સમગ્ર ભારતમાં છેલ્લા એક નાણાકીય વર્ષમાં 2,118 મેગાવોટ નવી વિન્ડપાવર ક્ષમતા ઉમેરાઈ હતી, જેમાં ગુજરાત સૌથી આગળ હતું. ત્યાર પછી તામિલનાડુએ 335 મેગાવોટ અને મહારાષ્ટ્રે 206 મેગાવોટની ક્ષમતા ઉમેરી હતી.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=zHY8Oqfu3Z8

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why windmills are becoming a 'cause of death' for peacocks in Kutch?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X