ભ્રષ્ટાચારના મુદ્દે આકરુ વલણ ભાજપને ફાયદો કરાવશે કે કેમ ??
ગુજરાતમાં ભાજપ છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી સત્તામાં હોવાના કારણે ભાજપ સામે નારાજગી અને ભષ્ટ્રાચારના આક્ષેપ હોય તે સ્વાભાવિક છે. પરંતું, લાંબા કાર્યકાળથી સત્તામાં હોવા છતાં કોઇ મોટા ભ્રષ્ટાચારમાં મોટા નેતાઓની સંડોવણી અને તેમની સામે કાયદાકીય પગલાં લેવાયાનું બહાર આવ્યું નથી. પરંતું, સત્તામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા માટે વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે કમરકસી હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે, જે પાર્ટી ભ્રષ્ટાચારને મુખ્ય મુંદ્દો બનાવીને ચાલી રહી હોવાના કારણે વર્તમાન સરકારને તેનો જવાબ આપવા માટે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી પડી છે. તાજેતરમાં વરિષ્ઠ આઇએએસ અધિકારી કે. સુરેશ અને તેના સાગરીતોના ઘરે સીબીઆઇના દરોડા અને તેમની ધરપકડ તથા મુખ્યમંત્રીના અંગત સચીવ તરીકેથી હકાલપટ્ટી જેવા કાર્યો સરકારની ભ્રષ્ટ્રાચાર નાથવા માટેની કાર્યવાહીના ભાગરૂપે માનવામાં આવે છે. આ ઉપરાંત, સચીવાલયમાં વચેટીયાઓને દુર કરવા તથા ભષ્ટાચાર આચરતાં તત્વોને નાથવા સરકારની સક્રિયતા જોવા મળી રહી છે.
વર્તમાન ભાજપ સરકારને નાથવા માટે આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચારને પણ એક મુદ્દો બનાવ્યો છે. ત્યારે, ભાજપે પાણી પહેલાં પાળ બાંધે તેમ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો, ભાજપ આ ઝીરો કરપ્શન પોલીસી અપનાવે અને પારદર્શી શાસન આપવાનો પ્રયાસ કરે તો મોટું વહિવટી અને રાજકીય પરિવર્તન કહી શકાય.