• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત સરકારે (CrPC) 1973ની કલમ 195માં સુધારો કરતાં હવે 'ધરણાં-પ્રદર્શન યોજવા પર નિયંત્રણો' આવી જશે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભામાં બુધવારે 'ધ કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત) ઍમેન્ડમેન્ડ બિલ' 2021 રજૂ કરવામાં આવ્યું હતું, જે ધ્વનિમત દ્વારા પસાર કરાયું હતું. આ બિલમાં ક્રિમિનલ પ્રોસિજર કૉડ (CrPC) ની કલમ 195માં સુધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને ભાજપના મંત્રીઓ આ સુધારાને જરૂરી ગણાવી રહ્યા છે જ્યારે કૉંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.

કૉંગ્રેસનું કહેવું છે કે આ સુધારા બાદ રાજ્યમાં કોઈ પણ પ્રકારના ધરણાં અથવા વિરોધપ્રદર્શન પર રોક લાગી જશે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં કહ્યું કે, "એક વર્ષમાં સરેરાશ 300 દિવસો એવા હોય છે જ્યારે ધારા 188 લાગુ કરવામાં આવતી હોય છે. આ કલમના કારણે લોકો સરકારને રજૂઆત કરવા માટે ભેગા થઈ શકતા નથી. "

"લોકો ધરણાં કરી શકતા નથી, રૅલી કાઢી શકતા નથી. લોકો પાસે અધિકાર છે કે તેઓ સરકારની ક્ષતિઓને સામે લાવે અને શાંતિપૂર્ણ રીતે વિરોધપ્રદર્શન કરે.''

કૉંગ્રેસના વિરોધ છતાં આ સુધારો રાજ્યપાલની મંજૂરી બાદ લાગુ થઈ જશે. પરતું તેને લઈને ચર્ચા થઈ રહી છે કે વિરોધના અવાજને દબાવવામાં આ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો છે.


રાજ્ય સરકાર દ્વારા શું સુધારો કરવામાં આવ્યો છે?

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

બિલને ગૃહમાં રજૂ કરતી વેળા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોલીસ કમિશનર અને કલેકટરને ક્રિમિનલ પ્રોસિજર કૉડ (CrPC) 1973ની કલમ 144 અંતર્ગત ઑર્ડર બહાર પાડવાની સત્તા છે.

જ્યારે કોઈ વ્યક્તિ કલમ 144નો ભંગ કરે અને તેવી સ્થિતિમાં પોલીસને આઈપીસીની કલમ 188 મુજબ કાર્યવાહી કરવી હોય તો ક્રિમિનલ પ્રોસિજર કૉડ (CrPC) 1973ની કલમ 195 મુજબ આવો હુકમ જારી કરનાર સરકારી કર્મચારીને ફરિયાદી બનવું પડે છે.

"પરતું ક્રિમિનલ પ્રોસિજર કૉડ (CrPC) 1973ની કલમ 195 મુજબ કાયદો ભંગ કરનાર સામે કેસ કરવા માટે, જે અધિકારીએ ઑર્ડર બહાર પાડ્યો છે, તેમની પરવાનગી હોવી જરૂરી છે જેના કારણે ઘણી વખત સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓને કેસ નોંધવામાં મુશ્કેલી પડતી હતી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "સ્થળ પર હાજર પોલીસ કર્મચારી આઈપીસીની કલમ 174 એ અને 188 મુજબ કેસ નોંધી શકે તે માટે આ સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી કાયદામાં જે છટકબારીઓ છે, તે બંધ કરવામાં મદદ મળશે અને કાયદો વધુ કડક બનશે."

ઍડ્વોકેટ ઝમીર શેખ કહે છે કે, "આ કાયદામાં સુધારાથી પોલીસ કર્મચારીઓને વધુ સત્તા મળશે અને તે લોકશાહી માટે જોખમકારક છે. આઈપીસીની કલમ 172 અને 188ના અંતગર્ત જે કેસ આવે છે તેમાં કોર્ટ કાયદાકીય રીતે નોંધ ન લઈ શકે કારણકે CrPC 1973ની કલમ 195 મુજબ જે અધિકારીએ ઑર્ડર બહાર પાડ્યો છે તેઓએ આ અંગે ફરિયાદ કરેલી હોવી જોઈએ."

"પરતું હવે સુધારા બાદ આમ નહીં રહે અને પોલીસ કર્મચારીઓ પણ ફરિયાદ નોંધાવી શકશે. સરકારે વહીવટી સરળતા માટે આ સુધારો કર્યો છે પરતું તેનો હેતુ માત્ર આ નથી. આ સુધારો લોકશાહી પ્રણાલી પ્રમાણે યોગ્ય નથી. પોલીસ કર્મચારી અને વહીવટીતંત્રને અમર્યાદિત સત્તા નહીં આપી શકાય."

તેઓ વધુમાં જણાવે છે કે સુધારા બાદ કોર્ટ હવે કોઈ પણ વ્યક્તિની ફરિયાદ બાદ ઘટનાની નોંધ લઈ શકે છે.

પોલીસની સત્તામાં ધીમે-ધીમે વધારો કરવામાં આવી રહ્યો છે, જે વખાણવા લાયક વાત નથી.

CrPC 1973ની કલમ 195 માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે અને સુધારા બાદ ધરણાપ્રદર્શન કરવા માટે ખરેખર મુશ્કેલી થશે.


શું છે કલમ 144?

મોટા ભાગના લોકો કલમ 144ને ગેરબંધારણીય ગણીને તેનો વિરોધ કરે છે.

સ્નેહ ભાવસાર અમદાવાદના એક યુવાન છે અને CAA (નાગરિકતા સુધારા અધિનિયમ)ના વિરોધમાં ભાગ લેવા માટે તેમની કલમ 144 હેઠળ બે વખત અટકાયત થઈ છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતાં તેઓ કહે છે, "ઘણા લોકોને એ ખબર જ નથી કે આપણા સમાજમાં આવો એક ગેરબંધારણીય કાયદો પ્રવર્તે છે. જે જાહેરસ્થળે ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે."

તેઓ માને છે કે આ કલમને કારણે સામાન્ય લોકોમાં પણ પોલીસનો ભય વધી ગયો છે.

ભાવસાર વધુમાં કહે છે, "આ કાયદો ઘણા સમયથી લાગુ થયેલો છે, માટે લોકો પોલીસને સવાલ કરવાને બદલે તેમની દરેક વાતને માની લે છે. જેને કારણે સામાન્ય માણસ વધુ ને વધુ પરેશાન થઈ રહ્યો છે."

રાજકીય વિશેષજ્ઞ ઘનશ્યામ શાહનું માનવું છે કે દિવસે ને દિવસે લોકોના વિરોધ કરવા માટેની જગ્યા ઓછી થતી જાય છે.

"જે લોકો વિરોધ કરે છે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધનો કાર્યક્રમ કોઈ જાહેરસ્થળ પર હોય કે પછી કોઈ હૉલમાં, બધી જગ્યાએ પોલીસ પરવાનગી જરૂરી બની જાય છે."

તેઓ માને છે કે જ્યાં સુધી એક લોકચળવળ શરૂ નહીં થાય ત્યાં સુધી કલમ 144 દૂર નહીં થાય.


કાયદામાં સુધારો એ સમયની માગ છે: ભાજપ

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોંલકીએ જણાવ્યું, "સરકાર જ્યારે કોઈ જાહેરનામું બહાર પાડતી હતી ત્યારે જો કોઈ જાહેરનામાનો ભંગ કરે તો પોલીસ એફઆઈઆર કરી શકતી નહોતી."

"રાજ્યની શાંતિ અને સલામતિને ધ્યાને લઈ અને કોરોનાની પરિસ્થિતિને જોતાં આ સુધારો કરવામાં આવ્યો છે."

"રાજ્યની શાંતિ અને સલામતિ ભવિષ્યમાં પણ ન જોખમાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આ સુધારો કરવામાં આવ્યો છે. સરકાર વિરોધપ્રદર્શન કરનારી વ્યક્તિઓ સામે આ કાયદાનો દુરુપયોગ કરશે એ વાત ખોટી છે. "

"25 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે અને વિપક્ષો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી."

"2014માં શાસનમાં આવ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 13000થી વધુ કાયદાઓ બદલ્યા છે અને જરૂરીયાત પ્રમાણે કાયદામાં સુધારાઓ થવા જોઈએ. આ કિસ્સામાં પણ આમ જ થયું છે."

આ અંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પાસેથી વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાયદાકીય અને માનવાધિકાર સેલના કાર્યકારી ચૅરમૅન યોગેશ રવાણીનો પણ સંપર્ક કર્યો હતો.

તેમણે ગુજરાત સરકાર દ્વારા CrPCની જોગવાઈમાં સુધારો કરવાની આ પ્રક્રિયાને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટેનું પગલું ગણવાની વાતથી ઇન્કાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "આ જોગવાઈ દૂર કરવાનું પગલું એ નાગરિકો અને સરકારનો વિરોધ કરનારા અવાજો દબાવવા માટેનો એક પ્રયાસ હોય એવું લાગે છે."

તેમણે કહ્યું હતું CrPCની કલમ 195માં ફેરફાર કરીને સરકાર પોલીસ દ્વારા આ કાયદાનો દુરુપયોગ થઈ શકે એ માટેનો માર્ગ ખુલ્લો કરી આપવા પ્રયત્ન કરી રહી છે.

યોગેશ રવાણી આ વાત અંગે વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, "આ સુધારાની અસર માત્ર રાજકીય પક્ષો પર જ પડશે એવું નથી. સરકાર સામે પોતાની માગણી રજૂ કરવા પ્રદર્શન યોજનાર દરેક વ્યક્તિને આની અસર થઈ શકે છે. "

"પહેલાંની જોગવાઈમાં મોટી સંખ્યામાં આવા કેસ નહોતા થઈ શકતા પરંતુ હવે પોલીસ આ કાયદાની કલમનો ઉપયોગ કરીને એવું કરી શકશે."

જોકે, તેઓ જણાવે છે કે આ સુધારો ભલે ધારાસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હોય પરંતુ રાજ્યપાલ જ્યારે તેને મંજૂરી આપશે ત્યારે જ નવી જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી શકાશે.


કોર્ટ આ અંગે દખલ કરી શકશે?

CrPCમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સુધારા અંગેના કાયદાકીય પાસા અંગે વધુ ચોખવટ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના વકીલ બાબુભાઈ માંગુકીયાનો સંપર્ક સાધ્યો હતો.

તેમણે તાજેતરમાં કરાયેલા સુધારા અંગે વાત કરતાં કહ્યું કે, "આ સમગ્ર મુદ્દો લૅજિસ્લેટિવ પાવર અંગેનો છે. કોઈ પણ કાયદાને નૈતિકતાના માપદંડ આધારે મૂલવી શકાય નહીં. ફોજદારી અધિકારક્ષેત્રમાં આવતા કાયદાઓમાં ફેરફાર કે સુધારો કરવાની ધારાસભાને સત્તા છે."

"હાલમાં કાયદાની જોગવાઈ પ્રમાણે આવા કેસમાં મૅજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ હાલના સુધારા મુજબ આવા ગુનાઓને પણ પોલીસ અધિકારના ગુનામાં સમાવી લેવાયા છે."

"તેમજ રાજ્ય સરકાર પાસે આ બાબતમાં સુધારો કરવાની સત્તા હતી. તેમના આ પગલાને નૈતિકતા કે જાહેર નીતિના આધારે મૂલવી ન શકાય. જો આ સુધારા અંગે કોર્ટની શરણે જવામાં આવે તો કોર્ટમાં સીધો એ જ પ્રશ્ન આવશે કે રાજ્ય સરકાર પાસે આવો સુધારો કરવાનો અધિકાર છે કે કેમ?"

ઍડ્વોકેટ માંગુકીયા આ અંગે આગળ વાત કરતાં કહે છે કે, "આ સુધારા અંગે કોર્ટમાંથી કોઈ રાહત ન મળી શકે. જોકે, પ્રદર્શનો થકી ધારાસભા પર આ સુધારો પાછો ખેંચવાના પ્રયત્ન જરૂર થઈ શકે. પરંતુ હાલ કોર્ટ આ મુદ્દે કશું કરી શકે નહીં."https://www.youtube.com/watch?v=tu-m-O_tMKc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
With the Gujarat Government (CrPC) amending Section 195 of 1973, will there be 'restrictions on holding pickets'?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X