
નડાબેટ અને અંબાજી તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાશેઃ કલેક્ટર
બનાસકાંઠા જિલ્લાંમાં 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દિનની ઉજવણીને અનુલક્ષી કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે કહ્યુ કે, વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોજાશે તેમજ દરેક તાલુકામાં અને નગરપાલિકા વિસ્તારમાં યોગ દિવસની ઉજવણી થશે. જેમાં જિલ્લાની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકો ભાગ લેશે.
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ઉપરાંત નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો યોગ કરી વિશ્વ યોગ દિનને વિશેષ બનાવશે.
વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે એ ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. જિલ્લાના તમામ ગામોમાં યોગ દિવસની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે તેઓની સહભાગિતા અંગે ચર્ચા કરી દરેક નાગરિક, સંસ્થા, કર્મચારીઓ પણ જોડાય એના પર ભાર મુકવામાં આવ્યો હતો.