મુસાફરોથી ભરેલી બસ ફ્લાયઓવર પરથી નીચે ખાબકતા 1 નું મોત, અનેક ઘાયલ
ગાઝિયાબાદ : ગાઝિયાબાદના ભાટિયા મોર ફ્લાયઓવર પાસે બુધવારની મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. લાલ કુઆનથી ગાઝિયાબાદ આવી રહેલી મુસાફરોથી ભરેલી બસ ભાટિયા મોરના ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં રસ્તા પરથી નીચે જઈ રહેલા એક બાઇક સવારને બસ દ્વારા કચડી નાખવામાં આવી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કામગીરી કરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સમયે બસમાં 7 મુસાફરો હતા.
બજારમાં હાજર ડઝનેક લોકો બસ નીચે પડતા અકસ્માતનો ભોગ બન્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મુસાફરો અને બસની ટક્કર વાળા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. 10 ઘાયલોને અડધો ડઝન એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા સરકારી હોસ્પિટલ એમએમજીમાં મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, બસ રોંગ સાઇડમાંથી આવી રહી હતી. ફ્લાયઓવર પર બાઇકને ટક્કર માર્યા બાદ બસ રેલિંગ સાથે અથડાઇ હતી અને નીચે રસ્તા પર પડી ગઇ હતી. આ બસ શિવ ટૂર એન્ડ ટ્રાવેલ્સની છે. બસ ઓફિસ સ્ટાફ સાથે નોઈડાથી પરત ફરી રહી હતી. સ્થળ પર પોલીસ અને વહીવટી તંત્ર અધિકારીઓ હાજર છે.
ગાઝિયાબાદના એસએસપી પવન કુમારે જણાવ્યું કે, બસ 7-8 મુસાફરોને લઈને નોઈડાથી ગાઝિયાબાદ આવી રહી હતી. ટાયર ફાટવાના કારણે બસ ભાટિયા મોર ફ્લાયઓવર પરથી બેકાબૂ રીતે પડી હતી. બે ટૂ વ્હીલર બસ નીચે ફસાઈ ગયા હતા. જેના કારણે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક બાઇક સવારનું મોત થયું હતું.