
વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેદારનાથમાં ફસાયા 10 હજાર શ્રદ્ધાળુ, પ્રશાસને જાહેર કર્યુ એલર્ટ
ચમોલીઃ ગાઢ ધૂમ્મસ અને બગડતા હવામાનને જોતા જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રા પર તત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. આ સાથે કેદારનાથ ધામના માર્ગમાં ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓને પ્રશાસને અપીલ કરીને કહ્યુ છે કે જે જ્યાં છે ત્યાં જ રહે અને સાવચેતી રાખે. જણાવવામાં આવી રહ્યુ છે કે વરસાદ અને ધૂમ્મસના કારણે પ્રશાસને લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓને ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, અગત્સ્યમુનિ અને રુદ્રપ્રયાગમાં રોકી દીધા છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે સોમવારે 23 મેનો રોજ કેદારનાથ યાત્રા માત્ર એક કલાક ચાલી શકી. સવારે 8 વાગે શરુ થયેલી યાત્રાને વરસાદના કારણે 9 વાગે રોકી દેવામાં આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રશાસને મંગળવાર સુધી વરસાદના પૂર્વાનુમાનને જોતા યાત્રા પર રોક લગાવી દીધી છે. જો કે, સોમવાર સવારે એક કલાક સુધી ચાલેલી યાત્રામાં લગભગ 8530 શ્રદ્ધાળુ કેદારનાથ માટે રવાના થઈ ગયા હતા. પરંતુ ત્યારાબદ કેદારઘાટી તેમજ કેદારનાથમાં ભારે વરસાદ અને ગાઢ ધૂમ્મસના કારણે પ્રશાસને તાત્કાલિક પ્રભાવથી યાત્રા રોકી દીધી.
અહેવાલો મુજબ આ દરમિયાન રૂદ્રપ્રયાગથી ગુપ્તકાશી સુધી પાંચ હજાર મુસાફરોને એક જગ્યાએથી રોકી દેવામાં આવ્યા હતા. વળી, સોનપ્રયાગમાં 2000 અને ગૌરીકુંડમાં 3200 મુસાફરોને રોકવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યા પછી યાત્રીઓને સોનપ્રયાગથી કેદારનાથ મોકલવામાં આવ્યા ન હતા, જેઓ 8 વાગ્યા સુધી ધામ માટે રવાના થયા હતા. પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં હળવા વરસાદ દરમિયાન તેઓને ધીમે ધીમે આગળ વધારવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યાં પણ વરસાદનુ જોર વધ્યુ ત્યાં મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા.
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં 45 ટકાથી વધુ મુસાફરો પગપાળા સુરક્ષિત રીતે ધામ પહોંચી ગયા હતા. બાકીના મુસાફરો પણ મોડી સાંજ સુધીમાં ધામે પહોંચી જશે. તો બીજી તરફ કેદારનાથમાં વરસાદના કારણે 3200 મુસાફરો અટવાયા હતા. ખરાબ હવામાનને કારણે કેદારનાથની નીચે પણ કોઈ યાત્રીને જવા દેવામાં આવ્યા ન હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યુ કે યાત્રીઓની સુરક્ષા માટે સોનપ્રયાગથી કેદારનાથ સુધી સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યુ છે.
નાયબ પોલીસ અધિક્ષક પીકે ઘિલડિયાલે મુસાફરોને જણાવ્યુ કે જે મુસાફરોએ રૂમ બુક કરાવ્યા નથી તેમને રુદ્રપ્રયાગ અને અગસ્ત્યમુની વચ્ચેની હોટલ, લૉજ, રેસ્ટોરન્ટ, ધર્મશાળામાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, જે મુસાફરોના રૂમ બુક કરવામાં આવ્યા છે તેઓને આગામી આદેશ સુધી તેમના રૂમમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.