બિકાનેર એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ત્રણના મોત!
જલપાઈગુડી : પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ટ્રેન અકસ્માત થયો છે. બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન ગુવાહાટીથી પટના જઈ રહી હતી. બિકાનેર-ગુવાહાટી (15633) એક્સપ્રેસ બંગાળના ઉત્તર ભાગમાં મૈનાગુરી નજીક ડોમોહાની નજીક પાટા પરથી ઉતરી ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્સપ્રેસના ઓછામાં ઓછા એક ડઝન કોચને નુકસાન થયું છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ 15633ના પાટા પરથી ઉતરી જવાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ રેલ્વે હેલ્પલાઈન નંબર - 03612731622, 03612731623 જારી કરવામાં આવ્યા છે.
માહિતી મળતાં જ રેલવે પોલીસ પ્રશાસન સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ટ્રેનની બોગીમાંથી બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ ઘટના ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને મુસાફરોથી ભરેલા 4 ડબ્બા સંપૂર્ણપણે પલટી ગયા છે. જેમાંથી એક પાણીમાં પડ્યો યું છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.