પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત, સીઝફાયરના ઉલ્લંઘનમાં ભારતીય સેનાના 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સેનાએ ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. યુદ્ધવિરામના ભંગમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું. જમ્મુ સંરક્ષણના પીઆરઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટર પાકિસ્તાની સૈન્યએ યુદ્ધ વિરામના ભંગની આડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતીય સૈન્યના બે જવાનો નાઇક પ્રેમ બહાદુર અને રાયફલમેન સુખ્રીસિંહ ઘાયલ થયા હતા, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું નિધ થયું હતું.
જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેના દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને બપોરે 1.30 વાગ્યે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું, નાના હથિયારોનો ઉપયોગ કર્યો અને મોર્ટારથી ભારે ગોળીબાર કર્યો હતો. યુદ્ધવિરામનું આ ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા પૂંછ જિલ્લાના કસ્બા અને કિર્ની સેક્ટરમાં કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના યુદ્ધ વિરામના ઉલ્લંઘન માટે મુંહતોડ જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનિય છેકે આતંકીઓએ ગુરુવારે શ્રીનગરમાં એચએમટી નજીક સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા છે. હુમલાખોરો મારુતિ કારમાં સવાર હતા અને તેમની સંખ્યા 3 હતી, જે અંગે વાત કરતા આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમારે કહ્યું કે આ હુમલો ત્રણ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓ મારુતિ કારમાં સવાર હતા.
શહીદ થયેલા સૈનિકોનાં નામ રાણા મંડોલ અને જિયાઉલ હક હોવાનું જણાવાયું છે. આ સમગ્ર ઘટના અંગે આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે, જ્યારે અમારી સેનાના જવાનો નિયમિત ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે ત્રણ આતંકીઓએ તુરંત તેમના પર ફાયરિંગ કર્યું, જેમાં બે જવાનો શહીદ થયા હતા. આ વિસ્તારમાં જૈશની હિલચાલ છે, હુમલો કરનારા આતંકીઓ કારમાં આવ્યા હતા અને તેમાંથી 2 પાકિસ્તાન અને એક સ્થાનિક હોવાનો શંકા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.