છેલ્લા 50 વર્ષમાં ભારતમાં 220 ભાષાઓ લુપ્ત બની
વડોદરા, 9 ઓગસ્ટ : છેલ્લા પાંચ દાયકામાં ભારતમાં 20 ટકા જેટલી પ્રદેશિક ભાષાઓ લુપ્ત થઇ ગઇ છે.વડોદરા સ્થિત ભારત રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ ગંભીર બાબત જાહેર કરવામાં આવી છે. આ સર્વે અનુસાર વર્ષ 1961માં દેશમાં 1100 ભાષાઓ હતી. તેમાંથી આજે 220 જેટલી ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે.
પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પીએલએસઆઈ)ના લેખક અને સંયોજક ગણેશદેવીએ આ અંગે જણાવ્યુ કે વર્ષ 2011થી બે વર્ષ સુધી આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ''અમને જાણવા મળ્યું હતું કે ભારતમાં 780 ભાષાઓ અસ્તિત્વમાં છે અને 100 જેટલી ભાષાઓ કદાચ સર્વેક્ષણમાં ચૂકી જવાઈ હશે. આમ, કુલ 880 ભાષાઓ અસ્તિત્વમાં છે. બાકીની ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. આ ખરેખર એક દુઃખદ ખોટ છે.''
નોંધનીય બાબત એ છે કે લુપ્ત થઈ ગયેલી મોટા ભાગની ભાષાઓ દેશભરમાં પથરાયેલી વિચરતી જાતિઓની હતી. જો આ ભાષાઓ હયાત હોત તો ત્રણથી ચાર ટકા ભારતીયો એટલે કે પાંચ કરોડ જેટલા લોકો આ ભાષાઓ બોલતા હોત.
આ ભાષાઓ લુપ્ત થવાનાં મુખ્ય કારણોમાં ભાષાને માન્યતાનો અભાવ, વિવિધ જાતિઓ અને સમુદાયનું વિસ્થાપન, ભાષાઓ બોલનારા લોકો માટે આજિવિકાનો અભાવ અને અલ્પ વિકસિત માતૃભાષાનું કલંક વગેરેનો સમાવેશ થાય છે
વર્ષ 1961ની વસતી ગણતરીમાં 1652 ભાષાઓ અસ્તિત્વમાં હોવાની નોંધ કરવામાં આવી હતી, પરંતુ આ યાદીમાં ઘણી ભાષાઓના વિવિધ પ્રકારોને સ્થાન આપવામાં આવ્યું છે એ હકીકત ધ્યાન પર આવતાં હયાત ભાષાઓની સંખ્યા ઘટાડીને 1100 કરવામાં આવી હતી.