મંગળ મિશન સહિત 5 રોકેટ ભારત આ વર્ષે છોડશે
આ રોકેટમાંથી એક જીઓસિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (જીએસએલવી)થી કોમ્યુનિકેશન સેટેલાઇટ, જી સેટ - 14ને ધરતીની કક્ષામાં મોકલશે. આ રોકેટમાં ઘરેલું ક્રાયોજેનિક ઇંધણનો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "10થી 15 જૂનની વચ્ચે અમે ભારતનો પહેલો નેવિગેશન ઉપગ્રહ - ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ - આર1એ (આઇઆરએનએસએસ - આર1એ)નું પ્રક્ષેપણ કરવા ઇચ્છીએ છીએ."
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોકેટ પપ્રક્ષેપણ કેન્દ્ર પર બે રોકેટોનું સંયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ પ્રક્ષેપણ કેન્દ્ર પર પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ - એક્સએલ (પીએસએલવી - એક્સએલ)નું સંયોજન કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે.
સાત ઉપગ્રહોની યોજના અંતર્ગત પહેલીવાર આઇઆરએનએસએસ-આર1એનું પ્રક્ષેપણ કરવામાં આવશે. જેના કારણે વિવિધ વર્ગના ઉપયોગ કર્તાઓને કોઇ પણ સમયે સ્થિતિની જાણકારી, નેવીગેશન અને સમય સેવા આપવામાં આવશે. તેના ત્રણ મહિના બાદ, આ શ્રૃંખલાનો બીજો ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. વર્ષ 2014-15 સુધી ત્રણ મહિનાની અવધિમાં બાકીના પાંચ ઉપગ્રહોનું પણ પ્રક્ષેપણ કરવામાં આવશે.
વર્ષના અંત સુધીમાં એક રિમોટ સેન્સિંગ સેટેલાઇટનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતે પીએસએલવી રોકેટથી ઇન્ડો-ફ્રેન્ચ સરલ ઉપગ્રહ અને છ અન્ય નાના વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડવામાં આવ્યા હતા. ભારતે વર્ષ 1999થી ફી લઇને ત્રીજા પક્ષના ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડવાની સેવા શરૂ કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભારતે અનેક મધ્યમ વજનના વિદેશી એજન્સીઓના ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડ્યા છે.