• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં રસીકરણ બાદ 51ને આડઅસર, એકની સ્થિતિ ગંભીર - BBC TOP NEWS

By BBC News ગુજરાતી
|

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસ માટે રસીકરણની શરૂઆત થઈ છે.

જનસત્તાના અહેવાલ અનુસાર, કોરોના રસીકરણ અભિયાનના પહેલા દિવસે દિલ્હીમાં જે સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવાઈ છે, તેમાં પ્રતિકૂળ અસર (એઈએફઆઈ)નો એક ગંભીર અને 51 સામાન્ય કેસ સામે આવ્યા છે.

અખબારે એઇમ્સના નિદેશક રણદીપ ગુલેરિયાના હવાલાથી લખ્યું કે સાંજે ચાર વાગ્યા બાદ સુરક્ષાગાર્ડને રસી અપાઈ હતી. બાદમાં 20 મિનિટ બાદ તેમના ધબકારા વધી જતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ કહ્યું કે જેમને રસી અપાઈ છે, તેમાંથી કેટલાકમાં એઈએફઆઈના કેસ જોવા મળ્યા છે. કેટલાક લોકો સાજા પણ થઈ ગયા છે.

દિલ્હી સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર, 11 જિલ્લામાં રસીકરણનું અભિયાન શરૂ કરાયું છે, જેમાં પહેલા દિવસે 8,117 સ્વાસ્થ્યકર્મીઓને રસી મૂકવાનું લક્ષ્ય હતું, પણ 4319 લોકોને રસી અપાઈ હતી.

તો લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રમાં બે દિવસ માટે રસીકરણની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે CoWIN ઍપ સંબંધિત ટેકનિકલ કારણસર રસીકરણના પહેલા તબક્કાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે.

મહારાષ્ટ્રમાં 18 જાન્યુઆરી પછી રસીકરણની શરૂઆત થાય તેવી શક્યતા છે.


જો બાઇડનના શપથ સમારોહ પહેલાં અમેરિકામાં ઍૅલર્ટ

અમેરિકાનાં બધાં 50 રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા (ડીસી)માં 20 જાન્યુઆરીએ થનારા 'ઇનૉગ્રેશન' પહેલા સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે.

આ સમારોહમાં જો બાઇડન રાષ્ટ્રપતિપદના શપથ લેશે. જોકે સંભવિત હિંસક વિરોધપ્રદર્શનને કારણે બધાં રાજ્યો ઍલર્ટ પર છે.

6 જાન્યુઆરીએ થયેલાં તોફાનો જેવી સ્થિતિ પેદા ન થાય તે માટે દેશભરમાં નેશનલ ગાર્ડની ટુકડીઓ વૉશિંગ્ટન મોકલી દેવાઈ છે.

એફબીઆઈએ બધાં 50 રાજ્યોની રાજધાનીઓમાં ટ્રમ્પ સમર્થક પ્રદર્શનકારીઓ દ્વારા સંભવિત સશસ્ત્ર માર્ચની ચેતવણી આપી છે.

ડીસીમાં નેશનલ મૉલને બંધ કરી દેવાયો છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે રાજધાનીના રસ્તાઓ પર બેરિકેડિંગ કરાઈ રહ્યું છે.

સ્થાનિક અધિકારીઓએ લોકોને પોતપોતાનાં ઘરોમાંથી જ સમારોહને જોવાની અપીલ કરી છે.

ટ્રમ્પ સમર્થકોએ 17 જાન્યુઆરીએ પણ સશસ્ત્ર આંદોલનની ધમકી આપી હતી અને વૉશિંગ્ટન ડીસીમાં માર્ચ કાઢવાની વાત કરી હતી.


સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોડતી આઠ ટ્રેનને લીલી ઝંડી અપાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના અલગઅલગ ભાગમાંથી ગુજરાતના કેવડિયા જતી ટ્રેનોને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દેશના અલગઅલગ ભાગમાંથી કેવડિયાને જોડતી ટ્રેનને લીલી ઝંડી અપાશે.

વડા પ્રધાન કાર્યાલયે શુક્રવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી વીડિયો કૉન્ફરન્સ દરમિયાન ગુજરાત સાથે જોડાયેલા અન્ય અનેક રેલવે પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે.

તેઓ નવી બ્રોડગેજ લાઇન અને ડભોઈ, ચાંદોદ અને કેવડિયાનાં નવા સ્ટેશન બિલ્ડિંગ્સનું પણ લોકાર્પણ કરશે.

આ પ્રોજેક્ટ્સ હેઠળ આસપાસના આદિવાસી પ્રદેશોમાં વિકાસ પ્રવૃત્તિઓમાં વધારો કરાશે.

નર્મદા નદીના કાંઠે વસેલા મહત્ત્વનાં ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થાનો સાથે જોડાણ વધારાશે.

આ આઠ ટ્રેનોને લીલી ઝંડી અપાશે, તેમાં અમદાવાદ, વારાણસી, દાદર, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે.


આઝમ ખાનની યુનિવર્સિટીની 1400 વીઘા જમીન સરકારની થશે

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરના સાંસદ મોહમ્મદ આઝમ ખાનને એક મોટો ઝટકો લાગ્યો છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર, યુપીના રામપુરમાં જૌહર યુનિવર્સિટીની 1400 વીઘા જમીન સરકારના નામે કરવાનો આદેશ અપાયો છે.

કાર્યવાહી હેઠળ એડીએમ પ્રશાસન રામપુરની રેવન્યૂ કોર્ટે એક નિર્ણય સંભળાવતા માન્યું કે મોહમ્મદ આઝમ ખાન, અધ્યક્ષ મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટને સાડા બાર એકરથી વધુ જમીન ખરીદવાની મંજૂરી જે શરતો પર આપવામાં આવી હતી, તેનું પાલન કરાયું નથી.

આથી શરતો ઉલ્લંઘન માનતા મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટના નામે નોંધાયેલી જમીનમાંથી સાડા બાર એકર જમીન છોડીને બાકીની 70 હેક્ટર જમીન (જે લગભગ 1400 વીઘા) થાય છે, તેને રાજ્ય સરકારના નામે કરવાનો અને તેની પર કબજો કરવાનો આદેશ પાસ કરાયો છે.

હાલમાં આઝમ ખાન પોતાના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લાહ આઝમ ખાન સાથે છેલ્લા 11 મહિનાથી સીતાપુર જેલમાં બંધ છે અને તેમના પર સત્તા પરિવર્તન બાદ 100થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.https://www.youtube.com/watch?v=3PZ3oWOnVCk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
51 side effects after vaccination in Delhi, one in critical condition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X