
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં બસ ખાઈમાં પડતા અકસ્માત, 7ના મોત, 45 ઘાયલ!
હૈદરાબાદ, 27 માર્ચ : આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં ગત રાત્રે બસ અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 45 લોકો ઘાયલ થયા હતા. તિરુપતિ એસપીએ જણાવ્યું કે ડ્રાઈવરની બેદરકારીને કારણે બસ ઊંડી ખીણમાં પડી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માત તિરુપતિથી 25 કિમી દૂર બાકપેટા ખાતે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અહેવાલ મુજબ, તે એક ખાનગી બસ હતી જેમાં 52 જાનૈયાઓ સવાર હતા. આ લોકો ધર્માવરમથી અનંતપુર જિલ્લાના ગારી ગામ જઈ રહ્યા હતા જે ચિત્તૂર સ્થિત છે. બસ ઘાટ રોડથી આગળ જઈ રહી હતી ત્યારે અડુપુટપી પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. પરંતુ મોડી રાત્રીના અકસ્માતને કારણે રાત્રીના સમયે અંધારપટ છવાતા બચાવ અને રાહત કામગીરી ખોરવાઈ હતી. જેના કારણે સવારે પણ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આવા દુર્ગમ રસ્તાઓ પર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. જેના કારણે અત્યારસુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.