India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 Years of Modi Goverment : દરેક ભારતીયને અસર કરતા મોદી સરકારના આઠ વર્ષના આઠ નિર્ણયો

|
Google Oneindia Gujarati News

8 Years of Modi Goverment : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન સરકારે આવા ઘણા નિર્ણયો લીધા છે, જેને જનતાએ ખુલ્લા દિલથી આવકાર્યા છે. કેટલાક નિર્ણયો એવા પણ હતા, જેની સામે ઉગ્ર વિરોધ પણ થયો હતો. અમે તમને સરકારના એવા આઠ નિર્ણયો વિશે જણાવી રહ્યા છીએ, જેણે છેલ્લા આઠ વર્ષમાં સામાન્ય લોકોના જીવનમાં સૌથી વધુ અસર કરી છે.

1. નોટબંધી

શા માટે અને ક્યારે લેવાયો નિર્ણય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 કલાકે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના આ નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી.

સામાન્ય માણસ પર અસર : નોટબંધીની જાહેરાત સાથે, 85 ટકા ચલણ એક જ ઝાટકે કાગળમાં ફેરવાઈ ગયું હતું. 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બેંકોમાં જમા કરાવી શકાશે. સરકારે 500 અને 2000ની નવી નોટો બહાર પાડી હતી. આખો દેશ તેમને મેળવવા માટે લાઇનમાં ઊભો હતો.

નોટબંધીના 21 મહિના બાદ, રિઝર્વ બેંકનો રિપોર્ટ આવ્યો કે નોટબંધી દરમિયાન રિઝર્વ બેંકમાં જમા કરાયેલી 500 અને 1000ની નોટોની કુલ કિંમત 15.31 લાખ કરોડ રૂપિયા હતી. નોટબંધીના સમયે દેશમાં 500 અને હજારની કુલ 15.41 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. એટલે કે 99.3 ટકા નાણા રિઝર્વ બેંકને પરત કરવામાં આવ્યા હતા.

2. સર્જિકલ સ્ટ્રાઈક એરસ્ટ્રાઈક

શા માટે અને ક્યારે : 18 સપ્ટેમ્બર, 2016 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતા. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામા આતંકી હુમલામાં 40 CRPF જવાનોએ જીવ ગુમાવ્યો હતો. બંને હુમલા બાદ ભારતે સરહદ પાર જઈને દુશ્મનને પાઠ ભણાવ્યો હતો.

28 સપ્ટેમ્બર, 2016 ના રોજ, ઉરી આતંકવાદી હુમલાના 10 દિવસ પછી, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. 26 ફેબ્રુઆરી, 2019 ના રોજ, પુલવામા હુમલાના 12 દિવસ પછી, ભારતીય વાયુસેનાના મિરાજ અને સુખોઈ વિમાનોએ પાકિસ્તાનમાં પ્રવેશ કરીને હવાઈ હુમલો કર્યો હતો.

ભારતીયો પર અસર : આવું પહેલીવાર બન્યું, જ્યારે ભારતે યુદ્ધની સ્થિતિ ન હોવા છતાં આતંકવાદી ઘટનાઓનો જવાબ આપવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને આતંકવાદીઓને પાઠ ભણાવ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદ સામેની ભારતની લડાઈ પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો. આવા સમયે એર સ્ટ્રાઈકથી ફરી એકવાર આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની છબી મજબૂત થઈ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી સરકારને ઘણો ફાયદો થયો અને તે ફરી સત્તામાં આવી હતી.

3. GST અમલીકરણ

શા માટે અને ક્યારે : કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2017 ના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગૂ કર્યો હતો. વાસ્તવમાં અટલ બિહારી વાજપેયીની સરકારે 2000 માં સમગ્ર દેશમાં એક જ ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી માર્ચ 2011 માં મનમોહન સિંહ સરકારે GST લાગૂ કરવા માટે જરૂરી બંધારણ સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું, પરંતુ રાજ્યોના વિરોધને કારણે તે અટકી ગયું હતું.

2014 માં નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ઘણા ફેરફારો સાથે બંધારણ સંશોધન બિલ લાવ્યું હતું. આ બિલ ઓગસ્ટ 2016માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. 12 એપ્રિલ, 2017 ના રોજ સંસદમાં પસાર કર્યા પછી GST સંબંધિત ચાર બિલોને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. આ 4 કાયદા છે - કેન્દ્રીય GST બિલ, એકીકૃત GST બિલ, GST (રાજ્યોને વળતર) બિલ અને કેન્દ્ર શાસિત GST બિલ. જે બાદ 1 જુલાઈ, 2017 ની મધ્યરાત્રિથી, નવી સિસ્ટમ સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. નવી સિસ્ટમ 1 જુલાઈ 2017 ની મધ્યરાત્રિથી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી.

ભારતીયો પર અસર : જ્યાં પહેલા દરેક રાજ્ય તેના અલગ અલગ કર વસૂલતા હતા. હવે માત્ર GST લેવામાં આવે છે. અડધો ટેક્સ કેન્દ્ર સરકાર અને અડધો રાજ્યોને જાય છે. વસૂલાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. બાદમાં રાજ્યોને પૈસા પરત કરે છે. જોકે, રાજ્યોની વધારાની આવકની માગને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનો અને આબકારી હજૂ પણ GSTના દાયરાની બહાર છે.

4. ટ્રિપલ તલાક

શા માટે અને ક્યારે : ભારતમાં ટ્રિપલ તલાક અંગેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તેની શરૂઆત 1985ના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી થાય છે. વર્ષ 2016માં ટ્રિપલ તલાકની ચર્ચા ફરી ગરમાઈ હતી. ત્યારબાદ સાયરા બાનુ નામની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક માટે અરજી દાખલ કરી હતી. લગ્નના 15 વર્ષ બાદ સાયરાના પતિએ ટ્રિપલ તલાક કહીને સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધ ચૂકાદો આપ્યો અને સરકારને આ મુદ્દે કાયદો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

28 ડિસેમ્બર, 2017ના રોજ લોકસભામાં મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) બિલ 2017 રજૂ કરવામાં આવ્યું હતું. 2018માં સરકારે તેને એક વટહુકમ દ્વારા લાગુ કર્યો હતો. 2019માં બીજી વખત વટહુકમ લાવવામાં આવ્યો હતો. આવા વર્ષે સરકારે ફરી એકવાર લોકસભા અને રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

ભારતીયો પર અસર : મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાના આ નિર્ણયને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું હતું, જ્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. જોકે, તેની કેટલીક હકારાત્મક અસરો જોવા મળી હતી. કાયદા અનુસાર, જો કોઈ મુસ્લિમ પુરુષ તેની પત્નીને ત્રણ વાર તલાક કહીને સંબંધ તોડી નાખે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આના કારણે ટ્રિપલ તલાકના કેસ ઘટીને 5 -10 ટકા થઈ ગયા છે. જોકે, આ કાયદામાં એક ખામી પણ હતી, જે અંતર્ગત આ કેસમાં ફરિયાદ કરનારે પોતે પરિણીત મહિલા હોવી જોઈએ. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં મહિલાઓ પતિ કે સાસરિયાઓના દબાણમાં ફરિયાદ કરી શકતી નથી.

5. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કરી

શા માટે અને ક્યારે : ટ્રિપલ તલાકની જેમ, કલમ 370નો મુદ્દો પણ ભારતની આઝાદી સાથે શરૂ થયો હતો. 1948માં જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં વિલીનીકરણ કરતા પહેલા વિશેષાધિકારની શરત મૂકી હતી. જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો હોવા છતાં અલગ રહ્યું હતું. રાજ્યએ પોતાનું બંધારણ બનાવ્યું હતું. ભારતના અમુક કાયદા જ ત્યાં લાગુ હતા. 2019 માં ચૂંટણી જીત્યા પછી, મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કરી હતી.

ભારતીયો પર અસર : હવે જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્રના તમામ કાયદા લાગૂ છે. મનરેગા, રાઈટ ટુ એજ્યુકેશનનો પણ અમલ કરવામાં આવ્યો હતો. જોકે, આ કાયદાના અમલીકરણની કેટલીક પ્રારંભિક નકારાત્મક અસરો પણ જોવા મળી હતી. કેટલાક રાજકીય પક્ષોએ તેનો બહિષ્કાર કર્યો હતો. આવા સમયે, રાજ્યમાં લાંબા સમયથી ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

6. CAA લાગૂ કરાયો

શા માટે અને ક્યારે : પાડોશી દેશોમાં અત્યાચાર ગુજારવામાં આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન લઘુમતીઓનો મુદ્દો ભારતમાં લાંબા સમયથી ચિંતાનો વિષય છે. આ અગાઉ આ દેશોમાં અત્યાચારનો ભોગ બનેલા લઘુમતી શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા મેળવવા માટે 11 વર્ષ પસાર કરવા પડતા હતા. આ અગાઉ તેમને દેશમાં પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હતી. તેને સરળ બનાવવા માટે, જાન્યુઆરી 2019માં તેનાથી સંબંધિત બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.

16મી લોકસભાનો કાર્યકાળ રાજ્યસભામાં પસાર થતા પહેલા જ સમાપ્ત થઈ ગયો હતો. લોકસભાના વિસર્જન સાથે, આ બિલ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. 17મી લોકસભાની રચના બાદ મોદી સરકારે આ બિલ નવેસરથી રજૂ કર્યું હતું. આ બિલ 10 ડિસેમ્બર, 2019ના રોજ લોકસભામાં અને 11 ડિસેમ્બર, 2019ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. તે 10 જાન્યુઆરી, 2020 ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું.

ભારતીયો પર અસર : ઘણા વર્ષોથી ભારતમાં શરણાર્થી તરીકે રહેતા લોકો માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સરળ બન્યો છે. જોકે, સરકાર નિયમો બનાવવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું કહેવું છે કે, તેઓ કોરોના રોગચાળો સમાપ્ત થયા બાદ તાત્કાલિક અસરથી આ કાયદો લાગૂ કરશે.

સંસદમાં CAA કાયદો પસાર થયા બાદથી અત્યાર સુધી સરકારને રસ્તા પર મુસ્લિમ સમુદાયના વિરોધ અને ગૃહમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, આ બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન છે, જે સમાનતાના અધિકારની વાત કરે છે.

7. ડિજિટલ ઇકોનોમી

શા માટે અને ક્યારે નિર્ણય લેવામાં આવ્યો : યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સેવા 11 એપ્રિલ, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેને નોટબંધીના નિર્ણયથી સૌથી વધુ ફાયદો થયો. દેશમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં ઝડપી વૃદ્ધિ થઈ છે.

ભારતીયો પર અસર: નોટબંધી બાદ સરકારનો સંપૂર્ણ ભાર ડિજિટલ ચલણ વધારવા અને ડિજિટલ અર્થતંત્ર બનાવવા તરફ વળ્યો હતો. ન્યૂનતમ રોકડનો ખ્યાલ આવ્યો હતો. ડિજિટલ વ્યવહારો વધ્યા હતા. 2016-17માં 1013 કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા. જે 2017-18માં વધીને 2,070.39 કરોડ અને 2018-19માં રૂપિયા 3,133.58 કરોડના ડિજિટલ વ્યવહારો થયા હતા.

2019-20માં આ આંકડો વધીને રૂપિયા 5,554 કરોડ થયો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આ વધારો કોરોનાના સમયગાળામાં પણ યથાવત રહ્યો અને 2021-22માં ડિજિટલ વ્યવહારો 33 ટકા વધીને 7,422 કરોડના આંકડાને સ્પર્શી ગયા હતો.

8. રામ મંદિર નિર્માણ

શા માટે અને ક્યારે નિર્ણય લેવાયો : રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ, જે ભારતની આઝાદી પહેલા ચાલી રહ્યો હતો, તે 9 નવેમ્બર, 2019 ના રોજ સમાપ્ત થયો હતો, જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલાના બેસવાના અધિકારને માન્યતા આપી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ભારતીયો પર શું અસર : રામ મંદિરના નિર્માણથી વધુ એક ફાયદો કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી રામાયણ સર્કિટ યોજના હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશના તમામ સ્થળોને જોડવાનો છે, જ્યાં ભગવાન રામે મુલાકાત લીધી હતી અને જે રામાયણ સંબંધિત પૌરાણિક કથાઓને કારણે પ્રખ્યાત છે. રામાયણ સર્કિટ એ 13 થીમ આધારિત પ્રવાસન સર્કિટમાંથી એક છે, જે પ્રવાસન મંત્રાલય દ્વારા સ્વદેશ દર્શન યોજના હેઠળ વિકસાવવામાં આવશે.

સરકારની યોજના છે કે, આ સર્કિટ દ્વારા તે વિશ્વભરના હિન્દુઓ અને અન્ય ધર્મના લોકોને ભવ્ય રામ મંદિરના દર્શન માટે આકર્ષવામાં સફળ થશે. રામાયણ સર્કિટ હેઠળ આવતા તમામ શહેરોમાં અદ્યતન હોટેલ, રહેવાની સુવિધાઓ સાથે લેવલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

અયોધ્યાને પણ આનાથી ઘણો ફાયદો થવાની આશા છે. ઉત્તર પ્રદેશ સરકારની યોજના અયોધ્યાને દેશના સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાપિત કરવાની છે.

English summary
8 Years of Modi Goverment : Eight decisions of eight years of Modi government affecting every Indian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X