ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, ચારના મોત
સહારનપુર, 08 મે : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટમાં ફેક્ટરી ઓપરેટર રાહુલ સહિત ત્રણ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આખી ફેક્ટરી જમીનદોસ્ત થઈ ગઈ હતી અને તેમાં પાર્ક કરેલી કાર અને બાઇકના પણ કુરચા ઉડી ગયા હતા. એટલું જ નહીં આ બ્લાસ્ટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટના કારણે પોલીસને 500 મીટર દૂર સુધી મૃતદેહોના ભાગો વિખરાયેલા જોવા મળ્યા હતા. જે ફેક્ટરીમાં આ અકસ્માત થયો છે, તે સહારનપુર જિલ્લાના સરસાવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોવિંદપુરના જંગલમાં સ્થિત છે. ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થયાની માહિતી મળતા જ સરસવા પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન પોલીસે 6 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આવા સમયે 3 થી વધુ મજૂરો હજૂ પણ ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ઓપરેશન બાદ હવે સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કાટમાળમાં દટાયેલા મૃતદેહોને શોધવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત સમાચાર અનુસાર આ ભયાનક અકસ્માત શનિવારની સાંજે લગભગ 6.45 કલાકે થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કારખાનાના માલિકો રાહુલ કુમાર ઉર્ફે જોની (32) ગામ સલેમપુર, સાગર અને કાર્તિક સૈની ગામ બળવંતપુરના રહેવાસી હતા. ઘાયલ વંશ સલેમપુર ગામનો રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલે ગોવિંદપુરના જંગલમાં ફટાકડા બનાવવાની લાયસન્સવાળી ફેક્ટરી લગાવી હતી અને તેમાં ફટાકડામાં ઉપયોગમાં લેવાતા દાડમ બનાવવામાં આવે છે. શનિવારની સાંજે અકસ્માત થયો, ત્યારે રાહુલ કુમાર કેટલાક કામદારો સાથે ફેક્ટરીમાં હાજર હતો. શહેર અને સરસાવા એરફોર્સ સ્ટેશનથી આવેલા ફાયર ફાઈટર્સે ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. માહિતી મળતાં જ ડીઆઈજી પ્રીતિન્દર સિંહ, ડીએમ અખિલેશ સિંહ, એસએસપી આકાશ તોમર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આગ કેવી રીતે લાગી તે તપાસ બાદ જાણવા મળશે
આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જ ફાયર વિભાગ કહી શકશે. જેથી તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.