
સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ મહારાષ્ટ્રનુ રાજકીય સંકટ, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ
નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં આવેલુ રાજકીય સંકટ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી જઈ પહોંચ્યુ છે. વાસ્તવમાં, મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરીને એ બળવાખોર શિવસેના ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે જેમના કારણે મહારાષ્ટ્રમાં સરકાર પડવાના આરે આવી ગઈ છે. જયા ઠાકુરે અરજીમાં માગણી કરી છે કે શિવસેનાના જે ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે અથવા વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે એવા ધારાસભ્યોને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ. જયા ઠાકુરે અરજીમાં આવા નિર્દેશોની માંગણી કરી છે.
'પક્ષપલટો કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ'
જયા ઠાકુરની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, 'અન્ય રાજકીય પક્ષો શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કારણે આ સ્થિતિનુ નુકસાન ઉઠાવી રહ્યા છે અને આવા ધારાસભ્યો આપણા દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારને નષ્ટ કરતા રહે છે. તેથી આવા ધારાસભ્યો પર કડક કાર્યવાહી થવી જોઈએ.' જયા ઠાકુરે અરજીમાં કહ્યુ છે કે પક્ષપલટો કરનારા ધારાસભ્યો અથવા રાજકીય પક્ષો આપણા દેશના લોકતાંત્રિક બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે કોર્ટના તાત્કાલિક નિર્દેશની માંગ કરીએ છીએ.
એએનઆઈના અહેવાલ મુજબ જયા ઠાકુરે તેમની પેન્ડિંગ અરજીમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે તે સાંસદો/ધારાસભ્યો દ્વારા પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી જેઓ રાજીનામુ આપે છે અથવા વિધાનસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે 7 જાન્યુઆરી, 2021ના રોજ કેન્દ્ર અને અન્યને નોટિસ પાઠવી હતી. અરજદારના જણાવ્યા મુજબ પ્રતિવાદી કેન્દ્ર અને અન્ય લોકોએ આજ સુધી કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી નથી. અરજદારે કહ્યુ છે કે અમારે એ નોંધવું પડશે કે અસંમતિ અને પક્ષપલટા વચ્ચેની રેખા સ્પષ્ટ કરવાની જરૂર છે જેથી લોકતાંત્રિક મૂલ્યોને અન્ય બંધારણીય બાબતો સાથે સંતુલિત રાખવામાં આવે.