For Quick Alerts
For Daily Alerts
અબુ સાલેમ પર મુંબઇ પાસેની તલોજા જેલમાં ગોળીબાર થયો
મુંબઇ, 28 જૂન : વર્ષ 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટના દોષિત ગેંગસ્ટર અબુ સાલેમ પર નવી મુંબઇમાં આવેલ તલોજા જેલમાં હુમલો થયો છે. આ અંગે જેલના સંયુક્ત આયુક્ત (કાયદો - વ્યવસ્થા) દેવેન્દ્ર ભારતીએ જણાવ્યું કે અબુ સાલેમને એક ગોળી વાગી છે, પણ તેમને જોખમ નથી. અબુ સાલેમને વશીમાં આવેલી નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે 27 જૂન, 2013ના રોજ રાત્રે 8.30 કલાકે અબુ સાલેમ પર જેલના જ એક અન્ય કેદી દેવેન્દ્ર બાબુરાવ જગતાપ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. જગતાપ એડવોકેટ સઇદ આઝમી હત્યા કેસમાં દોષિત છે. પોલીસ જગતાપ પાસે હથિયાર કેવી રીતે પહોંચ્યું તેની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ અબુ સાલેમ પર જેલમાં હુમલો થયો હતો. તે સમયે તેઓ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતા. આ હુમલા બાદ જ તેમને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2005માં તેમને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કથિત ભૂમિકા બદલ પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.
અબુ સાલેમ પરના આરોપમાં કહેવામાં આવ્યું હતું કે અબુ સાલેમે દાઉદ ઇબ્રાહિમે રચેલા એક કાવતરા અંતર્ગત બોમ્બ વિસ્ફોટોમાં પોતાના સહયોગીઓને હથિયાર અને વિસ્ફોટકોને જથ્થો પૂરો પાડ્યો હતો.