સંજૂ ફિલ્મના નિર્માતાઓને અબુ સાલેમની ધમકી, મોકલી કાનૂની નોટિસ
સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂના નિર્માતાઓ સામે અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અબુ સાલેમે ફિલ્મના નિર્માતાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. જેમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મમા તેની સામે ખોટી હકીકતો બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે સંજય દત્તને તેના ઘરે એકે-56 આપવા માટે અબુ સાલેમ પોતાના ગુંડાઓ સાથે આવ્યો હતો. અબુ સાલેમે ફિલ્મમાં જે રીતે તેને બતાવવામાં આવ્યો છે તેના પર વાંધો દર્શાવ્યો છે.
અબુ સાલેમના વકીલે સંજૂ ફિલ્મના નિર્માતા રાજકુમાર હિરાણી, વિધુ વિનોદ ચોપડા અને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર સહિત પ્રોડક્શન કંપનીને આ કાનૂની નોટિસ મોકલી છે. નોટિસ મોકલીને ફિલ્મ નિર્માતાઓને વિવાદિત સીન હટાવવા માટે કહેવામાં આવ્યુ છે જેના કારણે અબુ સાલેમની છબીને નુકશાન પહોંચી રહ્યુ છે. કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે જો ફિલ્મમાંથી વિવાદિત સીનને 15 દિવસની અંદર હટાવી દેવામાં નહિ આવે તો તે માનહાનિનો કેસ કરશે.
ફિલ્મમાં એક સીનનો હવાલો આપતા નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં એક સીન છે જેમા સંજય દત્તની ભૂમિકા નિભાવી રહ્લ રણબીર કપૂર એક નિવેદન આપે છે જેમાં તે કહે છે કે તેમની પાસે સાંપ્રદાયિક હિંસા દરમિયાન હથિયાર હતા, એ વખતે 1993 માં દેશમાં સાંપ્રદાયિક તણાવ હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે મારો ક્લાયન્ટ સંજય દત્તને હથિયાર આપે છે, જેનાથઈ મારા ક્લાયન્ટની છબીને નુકશાન પહોંચ્યુ છે. નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે અબુ સાલેમ ક્યારેય પણ સંજય દત્તને મળ્યા નથી અને ના તો તેને કોઈ હથિયાર આપ્યા છે. ઉલ્લેખનીય છે કે અબુ સાલેમ 1993 ના મુંબઈ બ્લાસ્ટમાં દોષી કરાર કરાયા બાદ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેને 2002 માં રેન્સમ મામલે પણ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂ 29 જૂને રિલીઝ થઈ હતી.