434 દિવસ બાદ બીએસ યેદિયુરપ્પાએ ફરી કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પડી ભાંગી અને એચડી કુમારસ્વામીના રાજીનામા બાદ બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે ચોથી વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. અગાઉ તેમણે 17 મે 2018ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી, પરંતુ વિધાનસભામાં બહુમત ન હોાના પગલે માત્ર બે દિવસમાં જ એટલે કે 19 મેના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે 434 દિવસ બાદ ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બની ગયા છે.
પાછલી વખતે બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ કોંગ્રેસ અને જેડીએસે મળી કર્ણાટકમાં ગઠબંધનની સરકાર બનાવી હતી. એચડી કુમારસ્વામીએ 23 મે 2018ના રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. જો કે આ સરકાર માત્ર 14 મહિના જ ચાલી શકી અને કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત ન મળવાને કારણે સરકાર પડી ભાંગી. જે બાદ કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
મંગળવારે જ્યારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત રજૂ કરવામાં આવ્યું ત્યારે કુમારસ્વામીના પક્ષમાં માત્ર 99 વોટ જ પડ્યા જ્યારે વિરુદ્ધમાં 105 વોટ પડ્યા. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડ્યા બાદ ભાજપ કાર્યાલયમાં જશ્નનો માહોલ છે. કુમારસ્વામીના રાજીનામા બાદ બીએસ યેદિયુરપ્પાનું મુખ્યમંત્રી બનવું નક્કી માનવામાં આવી રહ્યું હતું.
જણાવી દઈએ કે બીએસ યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. તેઓ કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમને કર્ણાટકની રાજનીતિમાં ભાજપનો સૌથી મોટો ચેહરો માનવામાં આવે છે. યેદિયુરપ્પાએ પોતાની રાજનૈતિક સફર તાલુકા અધ્યક્ષ તરીકે શરૂ કરી હતી જે બાદ તેઓ આગળ વધતા રહ્યા.
યેદિયુરપ્પા સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને એક વખત લોકસભા પણ પહોંચ્યા. તેઓ કર્ણાટક વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પણ રહી ચૂક્યા છે. જો કે વિવાદો સાથે પણ તેમનો ગાઢ સંબંધ હ્યો, જેને પગલે તેમણે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે તેમ છતાં તેઓ ભાજપના વિશ્વાસુ ચેહરા તરીકે ઉભરી આવ્યા છે.
Live: બીએસ યેદિયુરપ્પા ચોથીવાર બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી