સુશીલ શિંદેના કહેવાથી ભાગવતને ફસાવ્યા : અજમેર બ્લાસ્ટ આરોપી
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : અજમેર બ્લાસ્ટના આરોપી ભાવેશ પટેલનું કહેવું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સહિત ચાર કોંગ્રેસી નેતાઓએ આ કેસમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને તથા ઇન્દ્રેશ કુમારને ફસાવવા માટે દબાણ કર્યું હતું.
આ સંદર્ભમાં ભાવેશ પટેલે એનઆઇએની વિશેષ કોર્ટને પત્ર લખીને જાણ કરી છે. પત્રમાં કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ, ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહ અને કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ ઉપર પણ દબાણ નાખવાનો આરોપ લગાવ્યો છે.
પટેલે પત્રમાં જણાવ્યું છે કે જ્યારે તેને એનાઇએ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો આભાસ થયો ત્યારે તે પોતાના ગુરુના સંભલપુર સ્થિત આશ્રમમાં ચાલ્યો ગયો હતો. ગુરુએ જ તેની મુલાકાત દિગ્વિજય સિંહ સાથે કરાવી હતી. ત્યાર બાદ દિગ્વિજય સિંહ, આરપીએન સિંહ, શ્રીપ્રકાશ જયસ્વાલ અને શિંદે સાથે મુલાકાત થઇ હતી.
આ લોકોએ એનઆઇએના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી અને કહ્યું કે અમે જેવું કહીએ તેવું નિવેદન તારી આપવાનું છે. તો અમે તને બચાવી લઇશું. તેમણે જણાવ્યું હતું કે તુ કોર્ટમાં એવું નિવેદન આપજે કે અજમેર દરગાહ બ્લાસ્ટના કાવતરામાં આરએસએસ વડા મોહન ભાગવત અને સંઘ પદાધિકારી ઇન્દ્રેશ કુમારનો હાથ છે. જો કે મેં કોર્ટમાં આવું નિવેદન નહીં આપતા એનઆઇએના અધિકારીઓએ મને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.